ગોલ્ડ લોન લેનારાઓ માટે લાલબત્તી: સોનું જમા કર્યા પછી બેંક નકલી ગણાવે તો ગ્રાહકના હક શું છે? જાણો શિમલાનો ચર્ચિત કિસ્સો
જો તમે પણ તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે બેંકમાં સોનું ગીરવે મૂકીને ગોલ્ડ લોન (Gold Loan) લો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વિચારો કે તમે સંપૂર્ણ વિશ્વાસ સાથે તમારું કિંમતી સોનું બેંકમાં જમા કરાવ્યું, બેંકના નિષ્ણાતોએ સોનાની ચકાસણી કરીને તમને લાખો રૂપિયાની લોન આપી દીધી અને થોડા સમય પછી અચાનક બેંક એવું કહી દે કે તમારું ગીરવે મૂકેલું સોનું ‘નકલી’ છે, તો શું થાય?

આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો શિમલામાં સામે આવ્યો છે, જ્યાં બેંક અને ગ્રાહક વચ્ચેનો વિવાદ ગ્રાહક આયોગ (Consumer Forum) સુધી પહોંચ્યો હતો. આયોગે બેંકની ગંભીર બેદરકારી બદલ ગ્રાહકના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
સોનું અસલી ચકાસીને લોન આપી, બાદમાં ‘નકલી’ ગણાવ્યું
સમગ્ર મામલો શિમલાનો છે. ગ્રાહકે બેંક પાસે પોતાના સોનાના દાગીના ગીરવે મૂકીને અલગ-અલગ સમયે ત્રણ લોન લીધી હતી. વર્ષ ૨૦૨૨માં ₹૩.૯૮ લાખ, માર્ચ ૨૦૨૩માં ₹૩.૯૮ લાખ અને એપ્રિલ ૨૦૨૩માં ₹૬.૪૨ લાખની લોન મેળવી હતી. દરેક વખતે બેંકના અધિકૃત જ્વેલરી વેલ્યુઅરે સોનાનું વજન અને શુદ્ધતા (Carat) ચકાસ્યા બાદ જ લોન મંજૂર કરી હતી.
પરંતુ જુલાઈ ૨૦૨૩માં બેંકે ગ્રાહકને આંચકો આપતાં નોટિસ મોકલી કે આંતરિક તપાસમાં ગીરવે મુકેલું સોનું સંપૂર્ણ નકલી નીકળ્યું છે. આથી ગ્રાહક પાસે ₹૧૦.૯૫ લાખની બાકી લોન રકમ, વ્યાજ અને પેનલ્ટી તાત્કાલિક જમા કરાવવા માગ કરી. ગ્રાહકે આનો સખત વિરોધ કરતા જણાવ્યું કે આ તપાસ તેની ગેરહાજરીમાં કરવામાં આવી હતી અને બેંકના કસ્ટડીમાં સોના સાથે ચેડાં કે અદલાબદલી થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

બેંકે જૂના મૂલ્યાંકનકાર પર દોષનો ટોપલો ઢોળ્યો
બેંકે પોતાના બચાવમાં દલીલ કરી હતી કે નિયમિત આંતરિક તપાસ દરમિયાન અન્ય મૂલ્યાંકનકાર પાસે સોનું ચકાસવામાં આવ્યું ત્યારે તે નકલી માલૂમ પડ્યું હતું. બેંકે તેના માટે સોનાની પ્રથમ ચકાસણી કરનાર જૂના વેલ્યુઅરને જવાબદાર ગણાવી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું.
ગ્રાહક આયોગનો કડક ચુકાદો: બેંકને ₹૧૪.૫ લાખ ચૂકવવા આદેશ
શિમલા જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે આ કેસની સુનાવણી કરતા બેંકને સેવામાં ગંભીર ખામી (Deficiency in Service) અને અનુચિત વેપાર નીતિ માટે દોષી ઠેરવી હતી. આયોગે નોંધ્યું કે બેંક એ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે કે ગ્રાહકની ગેરહાજરીમાં કે તેની સંમતિ વિના આવી સરપ્રાઈઝ તપાસ કરવાનો બેંકને અધિકાર હતો.
આયોગે બેંકને આદેશ આપ્યો કે તે ગ્રાહકને ૧૦૩ ગ્રામ ૨૨ કેરેટ સોનાના વર્તમાન બજાર મૂલ્ય અનુસાર અંદાજે ₹૧૪ લાખ ચુકવે. આ ઉપરાંત ગ્રાહકને થયેલી માનસિક અસ્વસ્થતા બદલ ₹૩૦,૦૦૦નું વળતર અને ₹૨૦,૦૦૦ કોર્ટ ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આમ ગ્રાહકને કુલ ₹૧૪.૫ લાખની મોટી રાહત મળી હતી.
RBI ના નિયમો અને ગ્રાહકો માટે મહત્વની શિખામણ
ગ્રાહક આયોગે પોતાના ચુકાદામાં ભારતીય રિઝર્વ બેંક (RBI) ની માર્ગદર્શિકાઓનો ઉલ્લેખ કર્યો હતો. આરબીઆઈના નિયમો મુજબ, બેંક ગીરવે મૂકેલા સોનાની આંતરિક તપાસ કરી શકે છે, પરંતુ તેના માટે લોન એગ્રીમેન્ટમાં ગ્રાહકની લેખિત સંમતિ હોવી અનિવાર્ય છે.
જે સોનું બેંકે પોતે અસલી માનીને સ્વીકાર્યું હોય, તેમાં પાછળથી થતી ગડબડ માટે ગ્રાહકને દોષી ગણી શકાય નહીં. જો તમે પણ ગોલ્ડ લોન લેતા હોવ તો લોન દસ્તાવેજોમાં ચકાસણી સંબંધિત શરતો ધ્યાનથી વાંચવી જરૂરી છે.
