Sahara Case
Sahara Investors Refund: સહારાની વિવિધ સહકારી મંડળીઓમાં અટવાયેલા કરોડો લોકોના નાણા પરત કરવા માટે ગયા વર્ષે રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ રોકાણકારોને હજુ પણ નાણાં મળી શક્યા નથી…
સહારા ગ્રૂપના રોકાણકારોને અટવાયેલા નાણાં જલ્દી મળવાની આશા વધી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે, જે સહારાના રોકાણકારો માટે રાહત સાબિત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ગ્રૂપને 1 મહિનામાં 1,000 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ બંને કંપનીઓને નિર્દેશ આપ્યા છે
સુપ્રીમ કોર્ટે સહારા ઈન્ડિયા પરિવારની બે કંપનીઓ સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પ અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પને આ સૂચના આપી છે. તેમને આગામી 30 દિવસમાં 1,000 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. બંને કંપનીઓને આ રકમ સેબી-સહારા ફંડમાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. સેબી-સહારા ફંડમાં નાણાં જમા કરાવવાથી રોકાણકારોની અટવાયેલા નાણાં મળવાની આશા વધી જશે.
રિફંડ પોર્ટલ એક વર્ષથી વધુ સમય પહેલા શરૂ થયું હતું
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગયા વર્ષે જુલાઈમાં સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ એવા કરોડો રોકાણકારોને રિફંડ આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું જેમણે સહારાની વિવિધ યોજનાઓમાં તેમની મહેનતના નાણાંનું રોકાણ કર્યું હતું. જો કે, સહારા રિફંડ પોર્ટલ શરૂ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ઘણા રોકાણકારોના ફસાયેલા નાણાં મળી શક્યા નથી.
સહારા ગ્રુપે માત્ર 15 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા
વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપને સેબી-સહારા ફંડમાં 25 હજાર કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. અત્યાર સુધી સહારા ગ્રૂપે માત્ર 15 હજાર કરોડ રૂપિયા જ ફંડમાં જમા કરાવ્યા છે. આનો અર્થ એ થયો કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સહારા ગ્રુપની કંપનીઓએ જે ફંડ જમા કરાવવાનું હતું તેમાં હજુ 10,000 કરોડ રૂપિયાની અછત છે. આ ફંડમાંથી રોકાણકારોને તેમના ફસાયેલા નાણાં આપવામાં આવી રહ્યા છે.
કોઈપણ મિલકતના વેચાણના નાણાં સેબી-સહારા ફંડમાં જશે
સુપ્રિમ કોર્ટે સહારાને ભંડોળની અછતને પહોંચી વળવા માટે સંયુક્ત સાહસ બનાવવા અથવા જમીન વિકાસ કરાર કરવા પણ કહ્યું છે. આ સૂચના સહારાની વર્સોવા પ્રોપર્ટી માટે છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો સહારા ગ્રુપની કોઈપણ કંપની અન્ય કોઈ પ્રોપર્ટી વેચે છે તો તેમાંથી મળેલા પૈસા સેબી-સહારા ફંડમાં જમા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ એક મહિના પછી આ કેસની ફરીથી સુનાવણી કરશે અને જોશે કે સહારાએ તેના નિર્દેશોનું કેટલું પાલન કર્યું છે.