Rupee low
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ સ્પ્રિંગની જેમ ઉછળી રૂ.૮૭ની સપાટી કુદાવી ગયા હતા. ડોલર ઉછળતાં રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરનાભાવ રૂ.૮૬.૭૧ વાળા આજે સવારે રૂ.૮૬.૮૬ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૬.૮૫ થઈ ત્યારબાદ ભાવ ઉછળી ઉંચામાં રૂ.૮૭ પાર કરી રૂ.૮૭.૨૫ સુધી ઉંચકાઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૭.૧૯ રહ્યા હતા. ડોલરના ભાવ ૪૮ પૈસા વધી જતાં રૂપિયો આજે ૦.૫૫ ટકા ગબડયો હતો. દેશમાંથી ડોલરનો આઉટફલો વધી રહ્યાના વાવડ વચ્ચે રૂપિયા પર દબાણ વધ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
મહિનાનો અંત નજીક હોતાં આજે ડોલરમાં ખાસ કરીને આયાતકારોની લેવાલી વિશેષ જોવા મળી હતી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા છાશવારે ટેરીફ-ટેરીફનું ગાણું ગવાતું રહેતાં દેશ-વિદેશના કરન્સી બજારોમાં તાજેતરમાં વ્યાપક ઉથલપાથલ જોવા મળી છે.વાયદા બજારમાં નજીકની ડિલીવરીમાં એક્સપાયરી નજીક આવતાં વેચાણો કાપવાના સ્વરૂપમાં પણ ડોલરમાં લેવાલી વધ્યાની૪ ચર્ચા હતી. ડોલરના ભાવ ઝડપી ઉછળતાં હવે રિઝર્વ બેન્ક સરકારી બેન્કો મારફત કદાચ બજારમાં ડોલર વેંચવા આવશે એવી શક્યતા પણ જામકારો બતાવી રહ્યા હતા. ડોલરના ભાવ નજીકના દિવસોમાં ઉંચામાં ૮૭.૪૦ તથા નીચામાં ૮૬.૮૫ વચ્ચે રહ્યાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા. ડોલરના ભાવ આજે ઝડપી વધતાં રૂપિયામાં એક દિવસીય કડાકામાં પાછલા ૩ સપ્તાહનો રેકોર્ડ તુટયો હતો.
આયાતકારોનું હેજીંગ તથા એનડીએફની એક્સપાયરીની અસર પણ કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી સોના-ચાંદી તથા ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં હવે ફુગાવો તથા મોંઘવારી વધુ લવધવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા.આ પૂર્વે સરકાર દ્વારા આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર ઘટાડવામાં આવ્યા હતા અને તેના પગલે વિવિધ આયાતી ચીજોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી હતી. અને હવે પ્રવાહો પલ્ટાયા છે. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૬.૫૬ તથા ઉંચામાં ૧૦૬.૭૯ થઈ ૧૦૬.૬૫ રહ્યાના નિર્દેશો હતા.