તાજેતરમાં ફ્લાઈટ્સમાં યાત્રીઓ સાથે ખરાબ વર્તનને લઈને અનેક પ્રકારની ઘટનાઓ બની રહી છે. ક્યાંક યાત્રી પોતાના સહયાત્રીઓ પર પેશાબ કરી દે છે તો ક્યાંક ફ્લાઈટ ક્રૂ અથવા ફ્લાઈટ સહયોગી સ્ટાફ સાથે ઉદ્ધત વર્તનની ઘટનાઓ સાંભળવા મળી રહી છે. આવી વર્તણૂકને કારણે કેટલાક મુસાફરોની ઉડાન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. અને આ કામ તેમને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂક્યા બાદ કરવામાં આવે છે જેની શરૂઆત ડીજીસીએએ વર્ષ ૨૦૨૧માં કરી હતી.
ડીજીસીએની ૨૦૨૧માં ‘નો ફ્લાય લિસ્ટ’ની શરૂઆત બાદ અત્યાર સુધીમાં ૧૬૬ યાત્રીઓને આ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. સરકારે સોમવારે સંસદમાં આ જાણકારી આપી હતી.
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ૨૦૨૦માં મુસાફરો દ્વારા નોંધાયેલી કુલ ફરિયાદોની સંખ્યા ૪,૭૮૬ હતી. ૨૦૨૧ માં ૫,૩૨૧, ૨૦૨૨ માં ૫,૫૨૫ અને આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૨,૩૮૪ છે. તેમણે એમ પણ કહ્યું કે ૨૦૧૪માં દેશમાં શેડ્યૂલ ઓપરેટર્સના કાફલામાં કુલ ૩૯૫ વિમાન હતા જેની સંખ્યા ૨૦૨૩માં વધીને ૭૨૯ થઈ ગઈ છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં, ૨,૩૦૦ થી વધુ ફરિયાદો આવી ચૂકી છે અને વર્ષ ૨૦૨૧ થી નો ફ્લાય લિસ્ટ જાહેર થયા બાદ તમામ ફરિયાદો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ડીજીસીએદ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.