Reserve Bank of India : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મંગળવારે કહ્યું હતું કે ઊંચા વ્યાજ દરો આર્થિક વિકાસને અવરોધી રહ્યા નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે મોનેટરી પોલિસીનું ફોકસ મોંઘવારી ઘટાડવા પર રહેશે. ઉદ્યોગ મંડળ બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા દાસે જણાવ્યું હતું કે દેશ આર્થિક વૃદ્ધિના સ્તરે ‘મુખ્ય માળખાકીય પરિવર્તન’ના થ્રેશોલ્ડ પર છે. દેશ એવા માર્ગ પર આગળ વધી રહ્યો છે જ્યાં વાર્ષિક ધોરણે આઠ ટકા વાસ્તવિક જીડીપી વૃદ્ધિ ટકાવી શકાય.
તેમણે કહ્યું, “સામાન્ય રીતે જો વૃદ્ધિ દર સારો હોય અને તે ટકાઉ હોય તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારી નાણાકીય નીતિ અને તમારા વ્યાજ દરો વૃદ્ધિના માર્ગમાં નથી આવી રહ્યા.” દાસે કહ્યું ચિંતાઓ પાયાવિહોણી છે અને વૃદ્ધિની ગતિ અકબંધ છે. તેમણે કહ્યું કે
આરબીઆઈની ‘નોવકાસ્ટિંગ ટીમ’ ગતિશીલ તત્વોના આધારે જૂન ક્વાર્ટર માટે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિ દર 7.4 ટકા રહેવાનો અંદાજ લગાવી રહી છે. આ સેન્ટ્રલ બેંકના 7.3 ટકાના પોતાના અંદાજ કરતા વધારે છે.
દાસના જણાવ્યા અનુસાર, તેમને વિશ્વાસ છે કે નાણાકીય વર્ષ 2024-25માં આરબીઆઈના અંદાજિત 7.2 ટકાના દરે અર્થવ્યવસ્થાનો વિકાસ થશે. “સારી વૃદ્ધિની સ્થિતિ સ્પષ્ટપણે ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અવકાશ આપે છે,” તેમણે કહ્યું કે, દાસે આવનાર સમયમાં ફુગાવાને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચેસનું ઉદાહરણ આપ્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે એક ખોટું પગલું આપણને ભટકાવી શકે છે. તેમણે કહ્યું કે ફુગાવા પર ધ્યાન આપવું જરૂરી છે કારણ કે એક પ્રતિકૂળ હવામાન ઘટના પણ ફુગાવાને પાંચ ટકાથી ઉપર લઈ જઈ શકે છે.
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે નાણાકીય નીતિ હેઠળ લેવાયેલા પગલાંને કારણે ફુગાવો 2022માં 7.8 ટકાના સર્વોચ્ચ સ્તરથી ઘટીને હાલમાં 4.7 ટકા પર આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે નીચા સ્તરે ભાવ વધારો ટકાઉ વૃદ્ધિને સુનિશ્ચિત કરી શકે છે. “ઊંચો ફુગાવો અર્થતંત્રની સ્પર્ધાત્મકતાને અસર કરે છે, જે અર્થતંત્રને સ્થાનિક અને વિદેશી રોકાણ માટે પ્રતિકૂળ સ્થળ બનાવે છે,” દાસે જણાવ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઊંચી મોંઘવારીનો અર્થ લોકોની, ખાસ કરીને ગરીબોની ખરીદશક્તિમાં ઘટાડો થશે.