AC: AC ઇન્ડોર યુનિટમાંથી પાણી ટપકવાનું કારણ શું? ઉનાળામાં આ રીતે કરો તમારી સમસ્યાનું નિવારણ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં એર કન્ડીશનર (AC) વરદાન સમાન લાગે છે, પરંતુ વિચારો કે ગરમીથી બચવા તમે AC ચાલુ કરો અને તેમાંથી અચાનક પાણી ટપકવા લાગે તો? AC ની ઇન્ડોર યુનિટમાંથી પાણી લીક થવું એ એક અત્યંત સામાન્ય પણ હેરાન કરનારી સમસ્યા છે. જ્યારે AC માંથી પાણી પડવાનું શરૂ થાય છે, ત્યારે માત્ર ફ્લોર જ ભીનો નથી થતો, પરંતુ તે મશીનમાં મોટી ખામી હોવાનો સંકેત પણ આપે છે.
જો તમારું AC પણ ‘ઝરણા’ ની જેમ પાણી ફેંકી રહ્યું છે, તો તેની પાછળ નીચે મુજબના મુખ્ય કારણો હોઈ શકે છે. જાણો આ સમસ્યાના કારણો અને તેના ઉકેલો વિશેની સંપૂર્ણ માહિતી.

AC માંથી પાણી લીક થવાના મુખ્ય કારણો
૧. એર ફિલ્ટર બ્લોક થવું
AC ની અંદર લાગેલા ફિલ્ટર્સ હવામાં રહેલી ધૂળ અને રજકણોને રોકે છે. સતત વપરાશને કારણે આ ફિલ્ટર્સ ગંદા થઈ જાય છે. જો લાંબા સમય સુધી ફિલ્ટર સાફ કરવામાં ન આવે, તો તે સંપૂર્ણ બ્લોક થઈ જાય છે. ફિલ્ટર બ્લોક થવાને કારણે એરફ્લો (હવાની અવરજવર) ખોરવાય છે, જેને લીધે ઇવેપોરેટર કોઇલ પર બરફ જામવા લાગે છે. જ્યારે આ બરફ ઓગળે છે, ત્યારે વધારાનું પાણી ડ્રેન પેનમાંથી બહાર નીકળીને ઇન્ડોર યુનિટમાંથી ટપકવા લાગે છે. તેથી, દર ૧૫ દિવસે ફિલ્ટર સાફ કરવું હિતાવહ છે.
૨. ઇન્સ્ટોલેશનમાં ભૂલ
જો તમે નવું AC લગાવ્યું હોય અને શરૂઆતના દિવસોમાં જ પાણી લીક થવા લાગે, તો સમજી લેવું કે તેના ઇન્સ્ટોલેશનમાં કોઈ ભૂલ રહી ગઈ છે. જો ઇન્ડોર યુનિટ એક બાજુ નમેલું હોય અથવા ડ્રેન પાઇપનો ઢાળ (Slope) બરાબર ન હોય, તો પાણી બહાર જવાને બદલે અંદરની તરફ ભરાવા લાગે છે. હંમેશા AC ઇન્સ્ટોલ કરવા માટે પ્રોફેશનલ ટેકનિશિયનની જ મદદ લેવી જોઈએ.
૩. ડ્રેન પાઇપમાં અવરોધ કે તૂટફૂટ
AC ની અંદર જે ભેજ ભેગો થાય છે તેને બહાર કાઢવા માટે એક ડ્રેન પાઇપ હોય છે. ઘણીવાર આ પાઇપમાં કચરો, ધૂળ અથવા જીવજંતુઓ ભરાઈ જવાથી પાણીનો રસ્તો બંધ થઈ જાય છે. જો પાઇપ ક્યાંકથી તૂટી ગઈ હોય અથવા વળી ગઈ હોય, તો પણ પાણી રૂમની અંદર લીક થાય છે. જો AC ચાલુ હોય છતાં બહારની પાઇપમાંથી પાણી ન આવતું હોય, તો તેનો અર્થ એ છે કે ડ્રેનેજ સિસ્ટમમાં બ્લોકેજ છે.

૪. ફંગસ અને શેવાળની સમસ્યા
AC ની અંદર હંમેશા ભેજવાળું વાતાવરણ હોય છે, જે ફંગસ (મોલ્ડ) અને શેવાળ ઉગવા માટે અનુકૂળ છે. જો લાંબા સમય સુધી સર્વિસ ન કરવામાં આવે, તો આ ફંગસ ડ્રેન લાઇનને જામ કરી દે છે. ડ્રેનેજ સિસ્ટમ જામ થવાથી પાણી બીજી જગ્યાઓ શોધી લે છે અને છેવટે યુનિટમાંથી બહાર ટપકવા લાગે છે.
૫. ગેસ લીકેજ અથવા ઓછો ગેસ
જ્યારે AC માં રેફ્રિજરન્ટ ગેસનું લેવલ ઓછું થઈ જાય છે, ત્યારે ઇવેપોરેટર કોઇલ પર તાપમાન જળવાતું નથી અને તેના પર બરફ જામવા લાગે છે. આ પ્રક્રિયામાં જ્યારે AC બંધ થાય અથવા તાપમાન બદલાય ત્યારે બરફ ઝડપથી ઓગળે છે અને પાણી રૂમમાં પડવા લાગે છે.
બચવા માટે શું કરવું?
નિયમિત સર્વિસ: ઉનાળાની સીઝન શરૂ થાય તે પહેલા અને સીઝન દરમિયાન નિયમિતપણે એક્સપર્ટ સર્વિસ કરાવો.
ફિલ્ટર સફાઈ: વપરાશકર્તા પોતે પણ દર અઠવાડિયે કે પખવાડિયે એર ફિલ્ટર કાઢીને સાફ કરી શકે છે.
પાઇપ તપાસો: સમયે સમયે ચેક કરો કે બહારની ડ્રેન પાઇપમાંથી પાણી યોગ્ય રીતે નીકળે છે કે નહીં.
જો આ નાના ફેરફારો પછી પણ પાણી ટપકતું રહે, તો જાતે છેડછાડ કરવાને બદલે કોઈ સારા મિકેનિકને બોલાવવો જ યોગ્ય રહેશે.
