RBI ની લાલ આંખ, IndusInd Bank પર ₹59.20 લાખનો દંડ, ગ્રાહકો પર શું થશે અસર?
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશની બેંકિંગ વ્યવસ્થાને સુરક્ષિત અને પારદર્શક રાખવા માટે નિયમોના પાલન અંગે અત્યંત સખત વલણ ધરાવે છે. નિયમોનું ઉલ્લંઘન કરતી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સામે RBI સમયાંતરે દંડાત્મક પગલાં લેતી હોય છે. તાજેતરમાં જ રિઝર્વ બેંકે બેંકિંગ ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશની જાણીતી ખાનગી ક્ષેત્રની ઈન્ડસઈન્ડ બેંક (IndusInd Bank) સહિત ચાર નાણાકીય સંસ્થાઓ પર ભારે દંડ ફટકાર્યો છે. આ તમામમાં સૌથી વધુ ગંભીર બેદરકારી ઈન્ડસઈન્ડ બેંકના કામકાજમાં સામે આવી છે, જેને કારણે તેની સામે સૌથી વધુ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઈન્ડસઈન્ડ બેંક પર રૂ. 59.20 લાખનો દંડ
RBI ની તપાસ દરમિયાન ઈન્ડસઈન્ડ બેંકમાં થાપણો પરના વ્યાજ દરો અને સિક્યોરિટીઝેશન સંબંધિત વિવિધ નિયમોનું અનાદર થયેલું જોવા મળ્યું હતું. આ ગંભીર ત્રુટિઓને ધ્યાનમાં રાખીને RBI એ બેંક પર રૂ. 59.20 લાખનો દંડ લાદ્યો છે. તપાસ અહેવાલ અનુસાર, બેંકે ચોક્કસ કરંટ એકાઉન્ટ્સમાં જમા રકમ પર વ્યાજ ચૂકવ્યું હતું, જે કેન્દ્રીય બેંકના નિયમોની સ્પષ્ટ વિરુદ્ધ છે. આ ઉપરાંત, બેંકે ‘સિન્થેટિક સિક્યોરિટીઝેશન’ જેવી ચોક્કસ નાણાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરી હતી, જે RBI દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા સાથે મેળ ખાતી નહોતી.
અન્ય ત્રણ નાણાકીય સંસ્થાઓ સામે પણ દંડાત્મક પગલાં
ઈન્ડસઈન્ડ બેંક સિવાય અન્ય ત્રણ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) પર પણ RBI નો ચાબુક વાગ્યો છે:
ફ્યુઝન ફાઇનાન્સ (Fusion Finance): ગ્રાહક ઓળખ પ્રક્રિયા એટલે કે KYC (Know Your Customer) નિયમોનું યોગ્ય પાલન ન કરવા બદલ આ સંસ્થા પર રૂ. 2.7 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નોર્ધર્ન આર્ક કેપિટલ (Northern Arc Capital): ગ્રાહકોની ફરિયાદોનું યોગ્ય રીડ્રેસલ ન કરવા અને ઇન્ટરનલ ઓમ્બડ્સમેન (આંતરિક લોકપાલ) સંબંધિત નિયમોમાં બેદરકારી દાખવવા બદલ રૂ. 6.2 લાખનો દંડ લાદવામાં આવ્યો છે.
મુથૂટ એમક્રેડ (Muthoot Microfin/MCred): બાકી નીકળતા વ્યાજ અને મુદ્દલની વસૂલાત કર્યા વિના જ કેટલાક NPA (બિન-અસ્કયામત) ખાતાઓને સ્ટેન્ડર્ડ કેટેગરીમાં વર્ગીકૃત કરવાની ગંભીર અનિયમિતતા બદલ રૂ. 3.1 લાખનો દંડ ફટકાર્યો છે.

ગ્રાહકો પર શું થશે અસર?
આ કાર્યવાહી બાદ સામાન્ય ગ્રાહકોમાં ચિંતા ઉભી થવી સ્વાભાવિક છે, પરંતુ RBI એ સ્પષ્ટતા કરી છે કે આ દંડ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા વહીવટી અને નિયમનકારી ઉલ્લંઘનો પર લગાવાયો છે. તેનો અર્થ એવો નથી કે ગ્રાહકોના ખાતા કે નાણાં અસુરક્ષિત છે. ઈન્ડસઈન્ડ બેંક કે અન્ય ત્રણ સંસ્થાઓમાં ખાતું ધરાવતા અથવા લોન લેનારા ગ્રાહકોની સેવાઓ, ડિપોઝિટ કે રોજિંદા વ્યવહારો પર તેની કોઈ જ નકારાત્મક અસર પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે, RBI દ્વારા ઈન્ડસઈન્ડ બેંક, નોર્ધર્ન આર્ક કેપિટલ અને ફ્યુઝન ફાઇનાન્સની નાણાકીય સ્થિતિ અને કામકાજની તપાસ હાથ ધરવામાં આવી હતી, અને તે તપાસના નિષ્કર્ષના આધારે જ આ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે.
