પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા ‘સદ્ભાવના- પુરસ્કાર કાર્યક્રમ’માં બોલતાં કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, ‘દેશ સેવા માટે મળેલા બહુ ઓછા સમયમાં રાજીવ ગાંધીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ભારતમાં રહેલી અનેકવિધતાની સુરક્ષા અને સંરક્ષણના તેઓ સમર્થક હતા.’ કોંગ્રેસ પૂર્વ પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, ‘રાજીવ તે અંગે ઘણાં જ સંવેદનશીલ હતા કે વિવિધ ધર્મોના ધાર્મિક પ્રસંગો, વિવિધ જાતિઓ, ભાષાઓ અને સંસ્કૃતિઓના ઉત્સવો ઉજવીને જ આપણે ભારતની એકતાને વધુ મજબૂત કરી શકીશું.’
સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ‘આ પુરસ્કાર તે લોકોને અને તે સંસ્થાઓને આપવો જાેઈએ કે જેઓએ શાંતિ, સાંપ્રદાયિક સદ્ભાવ અને રાષ્ટ્રીય એકતાને આગળ વધારવામાં વિશેષ યોગદાન કર્યું હોય.’ સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ‘તેઓનું આ મંતવ્ય એવા સમયમાં વધુ મહત્ત્વપૂર્ણ બને છે કે જ્યારે અલગતાવાદ, નફરત, કટ્ટરતા અને પક્ષપાતને પુષ્ટિ આપનારી શક્તિઓ વધુ સક્રિય બની છે તેમને સત્તાનું સમર્થન પણ મળે છે.’
આ સમયે કોંગ્રેસ પૂર્વ પ્રમુખે વીતી ગયેલા વર્ષોને યાદ કરતા કહ્યું હતું કે, રાજીવ ગાંધીનું જીવન બેહદ કરુણા સાથે ખતમ કરાયું પરંતુ જેટલો સમય મળ્યો તેમાં તેઓએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી’ આટલું કહેતા તેઓ થોડા ભાવુક બન્યા. આ કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ મહિલાઓના સશક્તીકરણ માટે પ્રતિબદ્ધ હતા. રાજીવજીએ પંચાયતો અને નગર પાલિકાઓમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ આરક્ષણ માટે સંઘર્ષ કર્યો હતો. ૧૯૮૯ની સંસદીય ચૂંટણી પહેલાં જ પહેલી જ વખત ૧૮ વર્ષના યુવાનોને મતાધિકાર આપ્યો જેમાં મહિલાઓ હતી.