રેલવે કર્મચારીઓને મળશે મોટો આર્થિક ફાયદો? PLB બોનસ ગણતરી બદલવા IRTSA ની નાણા મંત્રાલયને રજૂઆત
ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRTSA) દ્વારા નાણા મંત્રાલય અને રેલ મંત્રાલયને પત્ર લખીને નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) ના કેલ્ક્યુલેશન માટેની વેતન સીમામાં વધારો કરવાની ભારપૂર્વક માંગ કરવામાં આવી છે. આગામી તહેવારો અને દશેરાના સમયગાળાને ધ્યાનમાં રાખીને યુનિયને માંગ કરી છે કે બોનસ ગણતરીનો વર્તમાન આધાર વધારીને ન્યૂનતમ 18,000 રૂપિયા વત્તા મોંઘવારી ભથ્થું (DA) કરવામાં આવે.

રેલવે યુનિયનોની મુખ્ય માંગણીઓ
રેલવે કર્મચારી સંગઠનોનો તર્ક છે કે હાલમાં બોનસની ગણતરી 6ઠ્ઠા પગાર પંચ (નાણાકીય વર્ષ 2014-15) વખતે નક્કી કરાયેલી 7,000 રૂપિયાની જૂની વેતન મર્યાદા (Seiling Limit) ના આધારે કરવામાં આવે છે. આ જૂના માળખા મુજબ 78 દિવસનું બોનસ ગણવામાં આવે છે, જેના કારણે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીને મહત્તમ માત્ર 17,951 રૂપિયા જ બોનસ તરીકે મળી શકે છે.
હવે જ્યારે 7મા પગાર પંચના અમલ બાદ કર્મચારીઓનું ન્યૂનતમ મૂળ વેતન (Basic Pay) વધીને 18,000 રૂપિયા થઈ ચૂક્યું છે, ત્યારે જૂની સીલિંગ ચાલુ રાખવી અયોગ્ય છે. એસોસિએશનની માગ છે કે લેવલ-1 ના કર્મચારીઓ માટે બોનસ સીલિંગ ‘18,000 રૂપિયા + DA’ કરવામાં આવે. આ ઉપરાંત લેવલ-2 અને તેનાથી ઉપરના સ્તરના કર્મચારીઓ માટે તેમના વેતનના પ્રમાણમાં બોનસની મર્યાદા વધુ વધારવી જોઈએ.
બોનસ ગણતરીમાં ફેરફારથી કેટલો ફાયદો થશે?
જો કેન્દ્રીય કેબિનેટ દ્વારા દશેરા પહેલા આ માંગણીઓ સ્વીકારી લેવામાં આવે છે, તો દેશભરના લાખો રેલવે કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો થશે:
માત્ર 18,000 મૂળ વેતન આધારિત: જો સરકાર મોંઘવારી ભથ્થા વગર માત્ર 18,000 રૂપિયાના બેઝિક પેને આધાર માનીને ગણતરી કરે, તો 78 દિવસનું બોનસ વધીને 46,159 રૂપિયાથી વધુ થઈ શકે છે.
ડીએ (DA) ઉમેરવાની સ્થિતિમાં: જો આ ગણતરીમાં વર્તમાન મોંઘવારી ભથ્થાને યોગ્ય રીતે સાંકળવામાં આવે, તો બોનસની રકમ કર્મચારીઓ માટે નોંધપાત્ર રીતે વધી જશે.
હાલમાં તમામ કર્મચારીઓ અને સંસ્થાઓની નજર આગામી કેબિનેટ બેઠકના નિર્ણયો પર મંડાયેલી છે.

NC-JCM નો સહયોગ અને રાષ્ટ્રીય માંગ
IRTSA ની આ માંગ એવા સમયે સામે આવી છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સંસ્થા ‘નેશનલ કાઉન્સિલ-જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી’ (NC-JCM) એ પણ તમામ નોન-ગેઝેટેડ કર્મચારીઓ માટે PLB વેતન મર્યાદા સુધારવાની માંગ ઉઠાવી છે. NC-JCM એ સરકારને વિનંતી કરી છે કે બોનસ ગણતરી માટેની હાલની 7,000 રૂપિયાની સીલિંગને વધારીને 21,000 રૂપિયા કરવામાં આવે.
લાંબા સમયથી વેતન સીલિંગમાં કોઈ ફેરફાર ન થયો હોવાથી કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જો સરકાર આ માગણીઓ પર સકારાત્મક નિર્ણય લેશે, તો આ તહેવારોની સઝનમાં રેલવે કર્મચારીઓને મોટી રાહત મળશે.
