બિહારના નવાદાના હિસુઆથી કોંગ્રેસના ધારાસભ્ય નીતૂ સિંહે ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તેમના ટાર્ગેટ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની છે. હકીકતમાં જાેઈએ તો, સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ફ્લાઈંગ કિસને લઈને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સદનની અંદર રાહુલ ગાંધીના આ વ્યવહારની ટિકા કરી હતી. તો વળી હવે ફ્લાઈંગ કિસ મામલા પર કોંગ્રેસના ધારાસભ્ય નીતૂ સિંહે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, અમારા નેતા રાહુલ ગાંધી પાસે છોકરીઓની કોઈ કમી નથી.
તેમણે કહ્યું કે, જાે ફ્લાઈંગ કિસ આપવી હશે તો કોઈ છોકરીને આપશે. ૫૦ વર્ષની વૃદ્ધ મહિલાને તે ફ્લાઈંગ કિસ શું કામ આપે. એટલા માટે તેમના દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપ નિરાધાર છે. નીતૂ સિંહે કહ્યું કે, કોઈ ફ્લાઈંગ કિસનો મામલો નથી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાનું જુઓ, જેને બહેનપણીએ સંરક્ષણ અને મદદ કરી, તેના જ પતિને ભગાડીને લગ્ન કરી લીધા. નીતૂ સિંહે કહ્યું કે, સ્મૃતિ ઈરાની અમારા નેતા રાહુલ ગાંધી પર વાત કરે છે. તેમને શરમ આવવી જાેઈએ કે આવા સવાલો ઉઠાવે છે. નીતૂ સિંહે કહ્યું કે, અમે લોકોએ પણ એ વીડિયો જાેયો છે. ત્યાં તો એવું કંઈ નથી. રાહુલ ગાંધી તો સ્પીકર તરફ ઈશારો કરી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીને કેવી રીતે સમજમાં આવી ગયું કે, રાહુલ ગાંધીજીએ તેમને ફ્લાઈંગ કિસ આપી છે. કોંગ્રેસ ધારાસભ્ય નીતૂ સિંહે કહ્યું કે, આ બધા આરોપ ખોટા છે. આ જાણી જાેઈને કરેલું ષડયંત્ર છે. આવી કોઈ વાત થઈ જ નથી. અમારા નેતા રાહુલ ગાંધીજીને છોકરીઓની કોઈ કમી નથી. જાે ફ્લાઈંગ કિસ આપવી હશે તો તેમને આપશે. ૫૦ વર્ષની વૃદ્ધ મહિલાને શું કામ ફ્લાઈંગ કિસ આપશે.