અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૨૫ લાખની ખંડણી અને અપહરણ કરવાના કેસમાં મહેસાણાના ૨ શખસની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ પોલીસની ખોટી ઓળખ આપી મહેસાણાના વ્યક્તિનું અપહરણ કરી પરિવાર પાસે ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારબાદ આ મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જાેકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માત્ર ૨૬ દિવસમાં આ ગુનાનો ભેદ ઉકેલી બંને આરોપીને દબોચી લીધા છે.
ગત ૨૫ જુલાઈના રોજ જગદિશ કાન્તીજી ઠાકોર (રહે.સબલપુર, તા.વડનગર, જી.મહેસાણા) નું ૨ શખસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જગદિશભાઈને તેમના ગામની બહારથી જ બંને શખસોએ પોલીસની ખોટી ઓળખ આપી સ્કોર્પીયો ગાડી નં.જીજે૭ એઆર ૭૬૩૧માં ઉઠાવી જઈ અપહરણ કરી લીધું હતું. પરિવારજનોને આ મામલે તુરંત વડનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
બંને આરોપીઓએ જગદિશભાઈનું અપહરણ કર્યા બાદ તેમના પરિવારને ફોન કર્યો હતો અને તેમને છોડાવવા બદલ ૨૫ લાખની ખંડણી માંગી હતી. જાેતે પરિવારે ખંડણી ન આપતા આરોપીઓ જગદિશભાઈને બીજા દિવસે એટલે કે ૨૬મીએ પ્રાતિજ ખાતે ગાડીમાંથી ઉતારી ફરાર થઈ ગયા હતા. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે માત્ર ૨૬ દિવસમાં આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી આનંદકુમાર ડાહ્યાભાઈ પટેલ (રહે.હિરપુરા, નવોવાસ, તા.વિજાપુર, જી.મહેસાણા) અને શૈલેશસિંહ રંગુસિંહ રાઠોડ (રાજપુત) (રહે.આનંદપુરા, વિજાપુર, જી.મહેસાણા)ની ધરપકડ કરી છે. શૈલેશ રાઠોડ અને આનંદ પટેલ બંને આરોપીઓ રિઢા ગુનેગાર છે. શૈલેષ સામે ૩ ગુના નોંધાયા છે, તો આનંદ સામે ૨ ગુના નોંધાયા છે.