Crypto
તંગ લિક્વિડિટી તથા સંસ્થાકીય રોકાણકારો તરફથી માગ મંદ રહેતા વર્તમાન સપ્તાહમાં બિટકોઈનની આગેવાની હેઠળ ક્રિપ્ટોકરન્સીસમાં વ્યાપક વેચવાલી જોવા મળી રહી છે. ટેરિફ તથા ઊંચા ફુગાવાના જોખમ બજાર પર હાવી થઈ રહ્યા છે. વર્તમાન સપ્તાહમાં બિટકોઈનમાં ૧૩ ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે જે ૨૦૨૨માં એફટીએકસની બેન્કરપ્સી બાદ પ્રથમ વખત જોવા મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિએ ખેલાડીઓનું માનસ બગાડતા ક્રિપ્ટોમાં જાન્યુઆરીની ટોચેથી વીસ ટકા જેટલો ઘટાડો જોવાયો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૮૨૩૩૫ ડોલર અને ઉપરમાં ૮૯૩૦૨ ડોલર થઈ મોડી સાંજે ૮૬૩૨૫ ડોલર કવોટ થતો હતો. અન્ય બીજી મોટી ક્રિપ્ટો એથરમનો ભાવ પણ ઊંચામાં ૨૪૯૫ ડોલર અને નીચામાં ૨૨૫૮ ડોલર થઈ મોડી સાંજે ૨૩૭૦ ડોલર કવોટ થતો હતો. અન્ય ક્રિપ્ટોસ એકસઆરપી, સોલાનાના ભાવ પણ દબાણ હેઠળ રહ્યા હતા.
બિટકોઈનના ભાવમાં મંદીને કારણે બિટકોઈન સ્પોટ ઈટીએફસમાંથી સતત આઉટફલો જોવા મળી રહ્યો છે. વર્તમાન સપ્તાહના મંગળવારે એક જ દિવસમાં એક અબજ ડોલરનો આઉટફલો જોવા મળ્યો હતો. જે સ્પોટ બિટકોઈન ઈટીએફ લોન્ચ થયા બાદ સૌથી મોટો આઉટફલો હતો.
બિટકોઈન રિઝર્વ ઊભા કરવાની અપાયેલી ખાતરીના પાલન કરવા તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર તરફથી કોઈ પગલાં લેવાઈ રહ્યા હોવાનું જણાતું નથી જેને કારણે રોકાણકારો નિરાશ થયા છે આ ઉપરાંત લિક્વિડિટીની તાણે પણ બજાર પર અસર કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
બિટકોઈન તથા એથરમ માટે સંસ્થાકીય માગ નબળી પડી છે. કેનેડા તથા મેક્સિકો પર ટેરિફ લાગુ કરવાની ચોથી માર્ચની તારીખ નજીક આવી રહી છે તેમ વધુ ઘટાડા માટે બજાર તૈયાર થઈ રહ્યું છે. જો કે ટેરિફ લાગુ કરવાની તારીખને લઈને વિરાધાભાષી નિવેદનો આવી રહ્યા હોવાથી બજારમાં અનિશ્ચિત સ્થિતિ જોવા મળી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિથી જાન્યુઆરીની ૧,૦૯,૦૦૦ ડોલરની ટોચેથી બિટકોઈન વીસ ટકા જેટલો ગબડી ગયો છે.