Petrol-Diesel Price Hike: હવે પેટ્રોલ-ડીઝલ ખિસ્સા ખાલી કરશે: કંપનીઓને લિટર દીઠ ₹100 સુધીનું નુકસાન, જંગી ભાવવધારો નિશ્ચિત?
સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચે વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે. રસોઈ ગેસ બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે. સરકારી સૂત્રો દ્વારા મળતા સંકેતો મુજબ, આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં ભારે વધારો ટાળી શકાય તેમ નથી. છેલ્લા ચાર વર્ષથી જે કિંમતો સ્થિર રાખવામાં આવી હતી, તે હવે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે વધવા જઈ રહી છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો
વૈશ્વિક બજારમાં કાચા તેલ (Crude Oil) ની કિંમતો હાલમાં ચાર વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને શાંતિ વાર્તા ખોરવાતા તેલ બજારમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત પ્રતિ બેરલ 126 ડોલર સુધી સ્પર્શી ગઈ છે. દુનિયાભરના નિષ્ણાતોની નજર અત્યારે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર છે, જ્યાં સપ્લાય ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે.
ભારતમાં ભાવ વધારાનું ગણિત
ભારત પોતાની જરૂરિયાતનું 80% થી વધુ તેલ આયાત કરે છે. હાલમાં ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ભારે નુકસાન વેઠી રહી છે:
કંપનીઓનું નુકસાન: અધિકારીઓના જણાવ્યા મુજબ, કંપનીઓને પેટ્રોલ પર આશરે ₹20 અને ડીઝલ પર લગભગ ₹100 પ્રતિ લિટરનું નુકસાન થઈ રહ્યું છે.
સરેરાશ કિંમત: ગયા વર્ષે કાચું તેલ જે 70 ડોલરની આસપાસ હતું, તે હવે સરેરાશ 114 ડોલરને પાર કરી ગયું છે.
- પડતર ભાવ: તેલના વાસ્તવિક ભાવ અને વેચાણ ભાવ વચ્ચે મોટું અંતર હોવાથી હવે કિંમતો વધારવી અનિવાર્ય બની ગઈ છે.

અગાઉ એવા અંદાજો હતા કે ઈંધણના ભાવમાં ₹25 થી ₹28 સુધીનો ઉછાળો આવી શકે છે, જોકે સરકારે તે સમયે આ બાબતને નકારી કાઢી હતી. પરંતુ હવે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ભાવ વધારો અનિવાર્ય જણાઈ રહ્યો છે.
આજથી કોમર્શિયલ ગેસ અને જેટ ફ્યુઅલ મોંઘા
નોંધનીય છે કે 1 મે (આજ) થી તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડર, ઈન્ડસ્ટ્રીયલ ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં વધારો કરી દીધો છે. હવે આગામી વારો સામાન્ય માણસના વાહનોમાં વપરાતા પેટ્રોલ અને ડીઝલનો છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં ઈતિહાસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી શકે છે.
