Shehbaz Sharif: પાકિસ્તાની હવાઈ હુમલાથી અફઘાનિસ્તાનમાં હાહાકાર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
તાજેતરમાં અફઘાનિસ્તાનની સરહદ નજીક પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકે દક્ષિણ એશિયામાં તણાવ વધારી દીધો છે. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ છેડાયું છે. પાકિસ્તાનના આ પગલાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ભારતનો સખત વિરોધ: ‘આક્રમકતાનું ખુલ્લું કૃત્ય’
ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓની આકરી શબ્દોમાં નિંદા કરી છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે પાકિસ્તાનની આ કાર્યવાહી ‘આક્રમકતાનું ખુલ્લું કૃત્ય’ છે. ભારતના મતે, પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાઓને છુપાવવા માટે સરહદ પાર હિંસાનો સહારો લઈ રહ્યું છે, જે અત્યંત ગેરજવાબદાર વર્તન છે.
ભારતીય વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, આ હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા છે, જે માનવીય દ્રષ્ટિકોણથી દુઃખદ અને નિંદનીય છે. ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યે પોતાનું અટલ સમર્થન વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે પાકિસ્તાનની આ હરકત ક્ષેત્રિય શાંતિ અને સ્થિરતા માટે મોટો ખતરો છે.
પાકિસ્તાનનો બચાવ અને ભારત પર આરોપ
પોતાની કાર્યવાહી પર વધતા જતા દબાણ અને ભારતની ટીકા વચ્ચે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ એક નિવેદન જારી કરીને આ હવાઈ હુમલાઓને ‘જાયઝ અને લક્ષિત’ ગણાવ્યા છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે માત્ર આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે.
પાકિસ્તાને ભારતના નિવેદનને ‘બિનપાયાદાર’ ગણાવીને ફગાવી દીધું છે અને ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટેની જેમ ભારત પર જ ગંભીર આરોપો લગાવ્યા છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારત અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ કરી રહ્યું છે અને તે આતંકવાદી સંગઠનોને ફંડિંગ પણ પૂરું પાડે છે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીર મુદ્દે પણ પાકિસ્તાને ફરી એકવાર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી છે.
અફઘાનિસ્તાનની પ્રતિક્રિયા અને સત્ય શું છે?
પાકિસ્તાનનો દાવો છે કે તેણે આ હુમલામાં ૨૯ આતંકવાદીઓને ઠાર માર્યા છે. જોકે, તાલિબાન શાસન અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. અફઘાનિસ્તાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની હુમલામાં આતંકવાદીઓ નહીં, પરંતુ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે.
અફઘાની અધિકારીઓના જણાવ્યા મુજબ, પાકિસ્તાની હવાઈ હુમલામાં ૩૬ નિર્દોષ નાગરિકોના મોત થયા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સામેલ છે, જ્યારે ૧૬૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અફઘાનિસ્તાને આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને માનવીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
