કોણે કરી હતી OTPની શરૂઆત? મોબાઈલ પર આવતા આ કોડ પાછળની કહાની છે રસપ્રદ
આજના ડિજિટલ યુગમાં બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કરવાના હોય, ઓનલાઈન શોપિંગ કરવાનું હોય કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું હોય, મોબાઈલ પર આવતો OTP ખૂબ જ મહત્વનો બની ગયો છે. ઘણા ટ્રાન્ઝેક્શન OTP વગર પૂર્ણ થતા નથી. હવે આ ચાર કે છ આંકડાનો કોડ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે OTPની શરૂઆત કેવી રીતે થઈ અને સૌપ્રથમ આ વિચાર કોના મગજમાં આવ્યો હતો?

ક્રેડિટ કાર્ડ ફ્રોડ રોકવાના વિચારમાંથી થઈ OTPની શરૂઆત
OTP પાછળની કહાનીનો સંબંધ ડિજિટલ બેંકિંગને સુરક્ષિત બનાવવાના પ્રયાસ સાથે જોડાયેલો છે. IIT મદ્રાસના પ્રોફેસર અને ઉદ્યોગસાહસિક ડૉ. અશોક ઝુનઝુનવાલાએ ‘જિંદગી વિથ રિચા’ નામના ઇન્ટરવ્યૂમાં આ અંગે રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2005ની આસપાસ બેંકિંગ વ્યવસ્થાને ડિજિટલ બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. તે સમયે ક્રેડિટ કાર્ડ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે નવા સુરક્ષા ઉપાય શોધવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન તેમના મનમાં મોબાઈલ પર કોડ મોકલવાનો વિચાર આવ્યો હતો.
ડિજિટલ પેમેન્ટ રોકડ વ્યવહાર કરતાં સસ્તું કેવી રીતે?
ડૉ. અશોક ઝુનઝુનવાલાએ ઇન્ટરવ્યૂમાં બેંકિંગ વ્યવસ્થાના ખર્ચ અંગે પણ વાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, જ્યારે કોઈ ગ્રાહક બેંકમાં જઈને રોકડ ઉપાડે છે ત્યારે બેંકને લગભગ 70 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. બીજી તરફ એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આશરે 12 રૂપિયા અને ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરવામાં લગભગ 2 રૂપિયાનો ખર્ચ થતો હતો. આ તફાવત જોઈને તેમને લાગ્યું કે ડિજિટલ પેમેન્ટ બેંકો માટે વધુ સસ્તું અને સુવિધાજનક માધ્યમ બની શકે છે.
ક્રેડિટ કાર્ડ બધાને આપવામાં બેંકોને કઈ મુશ્કેલી હતી?
ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ખર્ચ ઓછો હોવા છતાં બેંકો દરેક ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપવા તૈયાર નહોતી. તેનું સૌથી મોટું કારણ ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલું ફ્રોડનું જોખમ હતું. જો કોઈ વ્યક્તિના કાર્ડની વિગતો અન્ય વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનો દુરુપયોગ કરીને પૈસાની છેતરપિંડી થઈ શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે ઝુનઝુનવાલાએ એક નવી રીત સૂચવી હતી. તેમણે કહ્યું હતું કે દરેક પેમેન્ટ વખતે ગ્રાહકના મોબાઈલ પર SMS દ્વારા એક ખાસ કોડ મોકલવો જોઈએ.
SMS દ્વારા કોડ મોકલવાનો વિચાર કેવી રીતે અમલમાં આવ્યો?
આ વિચાર પ્રમાણે, ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે ગ્રાહકે મોબાઈલ પર મળેલો કોડ દાખલ કરવો જરૂરી હતો. આમ કરવાથી માત્ર કાર્ડની વિગતો જાણતા વ્યક્તિ માટે પેમેન્ટ કરવું મુશ્કેલ બની શકે તેમ હતું. જોકે વર્ષ 2005માં આ વિચારને અમલમાં મૂકવો સરળ નહોતો. તે સમયે SMS પહોંચવામાં સમય લાગતો હતો અને એક મેસેજ મોકલવાનો ખર્ચ પણ વધારે હતો. આ સમસ્યાના ઉકેલ માટે ઝુનઝુનવાલાએ ટાટા ટેલિસર્વિસિસ સાથે જોડાયેલા લોકોનો સંપર્ક કર્યો અને રિયલ ટાઇમમાં SMS મોકલવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી.

કોણે આપ્યું OTP નામ અને આજે ક્યાં થાય છે તેનો ઉપયોગ?
ટેલિકોમ કંપનીના લોકો સાથે ચર્ચા દરમિયાન SMSને ઝડપથી મોકલવાનું ટેક્નિકલ રીતે શક્ય હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ વિચારને આગળ વધારવાની પ્રક્રિયા શરૂ થઈ. ઇન્ટરવ્યૂમાં ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા દરમિયાન જ કોઈએ આ કોડને OTP નામ આપ્યું હતું. OTPનું પૂરું નામ One Time Password છે, એટલે કે એક વખત ઉપયોગમાં લઈ શકાય તેવો પાસવર્ડ. ધીમે ધીમે આ પદ્ધતિ ડિજિટલ સુરક્ષાનો મહત્વનો ભાગ બની ગઈ. આજે બેંકિંગ, ઓનલાઈન શોપિંગ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ અને વિવિધ ડિજિટલ સેવાઓમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. જોકે OTP કોઈની સાથે શેર ન કરવો જોઈએ, કારણ કે છેતરપિંડી કરનારાઓ તેનો દુરુપયોગ કરી શકે છે.
