ભારતીય શેરબજારનો સૌથી મોટો IPO: NSE ના એક શેરની કિંમત ₹2100 સુધી રહેવાની શક્યતા
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) ભારતીય શેરબજારના ઇતિહાસમાં સૌથી મોટો ધમાકો કરવા જઈ રહ્યું છે. ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા ડેરેવેટિવ્ઝ એક્સચેન્જ એવા NSE પોતાના પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે માત્ર કદની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વેલ્યુએશનના હિસાબે પણ તમામ જૂના રેકોર્ડ તોડવાની તૈયારી કરી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, NSE એ પોતાના IPO માટે ₹૫.૨૬ લાખ કરોડ (આશરે ૫૫ અબજ ડોલર) સુધીનું જંગી વેલ્યુએશન લક્ષ્યાંકિત કર્યું છે. આ આંકડા સાથે NSE વિશ્વના અગ્રણી ગ્લોબલ એક્સચેન્જોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી જશે.

શેરની કિંમત અને ગ્લોબલ રોડ-શો
સૂત્રોના જણાવ્યા અનુસાર, NSE એ સંભવિત વૈશ્વિક રોકાણકારો સાથે યોજાયેલી બેઠકોમાં પોતાના શેરની કિંમત ₹૨,૦૦૦ થી ₹૨,૧૦૦ પ્રતિ શેર હોવાનો સંકેત આપ્યો છે. એક્સચેન્જે આ IPO ને સફળ બનાવવા માટે વૈશ્વિક સ્તરે મોટા ભાગના રોડ-શો પૂર્ણ કરી લીધા છે, જેમાં હવે માત્ર મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) દેશોની કેટલીક બેઠકો બાકી રહી છે. આ ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ્સ દરમિયાન વિશ્વના ૧૨૦ થી વધુ દિગ્ગજ રોકાણકારોએ હાજરી આપી હતી. જેમાં બ્લેકરોક ઇન્ક (BlackRock Inc.), કેપિટલ ગ્રુપ, GQG પાર્ટનર્સ, જેનસ હેન્ડરસન ગ્રુપ અને ઓલસ્પ્રિંગ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સ જેવા વૈશ્વિક રોકાણ ફંડો સામેલ હતા. આ બેઠકો બોસ્ટન, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, લંડન, સિંગાપોર અને હોંગકોંગ જેવા મુખ્ય નાણાકીય કેન્દ્રોમાં યોજાઈ હતી.
IPO ના ટાઈમિંગ અને મંજૂરીમાં વિલંબનું કારણ
અગાઉ NSE ને આશા હતી કે ઓગસ્ટના પ્રારંભ સુધીમાં ભારતીય મૂડીબજાર નિયામક સેબી (SEBI) તરફથી ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસને મંજૂરી મળી જશે. પરંતુ ઓફર ફોર સેલ (OFS) પ્રક્રિયામાં ‘SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ’ નો સમાવેશ થતાં વેચાણકર્તા શેરધારકોની યાદીમાં ફેરફાર કરવો પડ્યો છે. આ ફેરફારના કારણે મંજૂરીની સમયસીમા આશરે ત્રણ સપ્તાહ આગળ ધકેલાઈ ગઈ છે. નિયમ મુજબ આઈપીઓ દસ્તાવેજોમાં કોઈપણ સુધારો થયા બાદ સાર્વજનિક પ્રતિસાદ (Public Feedback) માટે ૨૧ દિવસનો સમય આપવો ફરજિયાત હોય છે. આથી હવે આ બહુપ્રતિક્ષિત આઈપીઓ સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં બજારમાં આવવાની પ્રબળ શક્યતા છે.
વૈશ્વિક સ્તરે NSE નો દબદબો
જો શેરની પ્રસ્તાવિત પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે વેલ્યુએશન નક્કી થાય, તો NSE માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વના ટોચના એક્સચેન્જ ઓપરેટર્સમાં છઠ્ઠા ક્રમે પહોંચી જશે. તે લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપ કરતાં સહેજ પાછળ અને અમેરિકાના નેસ્ડેક (Nasdaq Inc.) ને પાછળ છોડી દેશે. હાલમાં શિકાગોનું CME ગ્રુપ (આશરે $૯૭ અબજ) અને ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ ($૮૬.૯ અબજ) માર્કેટ વેલ્યુમાં વિશ્વમાં સૌથી આગળ છે, જેના પછી ભારતીય એક્સચેન્જનો નંબર આવશે.

સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) આધારિત આઈપીઓ
NSE એ જૂન મહિનામાં સેબી પાસે રજૂ કરેલા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ મુજબ, આ આઈપીઓ સંપૂર્ણપણે સેકન્ડરી શેર વેચાણ એટલે કે ઓફર ફોર સેલ (OFS) આધારિત હશે. આ પ્રક્રિયામાં કંપનીના વર્તમાન શેરધારકો તેમના કુલ હિસ્સામાંથી આશરે ૬ ટકા હિસ્સો એટલે કે ૧૪.૮૯ કરોડ શેર વેચવાની યોજના બનાવી રહ્યા છે. આ વિશાળ ઈશ્યૂના સંચાલન માટે NSE એ દેશ-વિદેશની ૨૦ અગ્રણી રોકાણ બેંકોની નિમણૂક કરી છે, જેમાં કોટક મહિન્દ્રા કેપિટલ, જેએમ ફાઇનાન્સિયલ, મોર્ગન સ્ટેનલી, HSBC હોલ્ડિંગ્સ અને સિટીગ્રુપ જેવી દિગ્ગજ સંસ્થાઓ સામેલ છે.
