Poco અને Samsung ને ટક્કર આપવા તૈયાર છે રિયલમી નાર્ઝો 100 લાઈટ, આજે બપોરે 12 વાગ્યે એન્ટ્રી
રિયલમી આજે ભારતીય બજારમાં તેનો નવો 5G સ્માર્ટફોન Realme Narzo 100 Lite 5G લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોન મુખ્યત્વે થંડર બ્લેક અને ફ્રોસ્ટ સિલ્વર એમ બે આકર્ષક રંગોમાં રજૂ કરવામાં આવશે. બપોરે 12 વાગ્યે થનારા આ સત્તાવાર લોન્ચિંગ પહેલા કંપનીએ આ હેન્ડસેટની ઘણી ખાસિયતો જાહેર કરી દીધી છે. આ સ્માર્ટફોનની સૌથી મોટી વિશેષતા તેની 7000 mAh ની દમદાર બેટરી છે, જે લાંબા સમય સુધી બેકઅપ આપશે અને આ ફોન બાયપાસ ચાર્જિંગ ફીચર સાથે આવશે.
ડિસ્પ્લેની વાત કરીએ તો, આ હેન્ડસેટમાં 6.8 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે જે 144 હર્ટ્ઝના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સિવાય તેમાં 180 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને 900 નિટ્સની પીક બ્રાઇટનેસ મળશે, જેના કારણે ગેમિંગ અને વીડિયો જોવાનો અનુભવ શ્રેષ્ઠ રહેશે. સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો એન્ટૂટૂ સ્કોર 5,60,000 થી વધુ છે. ફોન ગરમ ન થાય તે માટે તેમાં ખાસ એરફ્લો વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે.
કેમેરા અને સોફ્ટવેરની બાબતમાં આ ફોન આધુનિક ફીચર્સથી સજ્જ છે. તેમાં 13 મેગાપિક્સલનો AI રિયર કેમેરા સેન્સર છે અને તે એન્ડ્રોઇડ 16 પર આધારિત રિયલમી UI 7.0 પર કામ કરશે. ફોનને પાણી અને ધૂળથી સુરક્ષિત રાખવા માટે IP64 રેટિંગ આપવામાં આવ્યું છે અને સ્માર્ટ ટચ 2.0 સપોર્ટ પણ મળશે. કિંમતની વાત કરીએ તો, અહેવાલો મુજબ આ ફોન 10,000 થી 12,000 રૂપિયાની રેન્જમાં લોન્ચ થઈ શકે છે. આ કિંમતે તે માર્કેટમાં રહેલા અન્ય મોડલ્સ જેમ કે રેડમી, પોકો અને સેમસંગના બજેટ ફોન્સને સીધી સ્પર્ધા આપશે. આ સ્માર્ટફોન લોન્ચ થયા બાદ કંપનીની ઓફિશિયલ સાઇટ ઉપરાંત એમેઝોન પરથી ખરીદી શકાશે.
