મંગળવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે માહોલ ગરમ રહ્યો. મણિપુરમાં હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર સામે આ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો છે જેના પર ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે લોકસભામાં બોલતી વખતે નિયંત્રણ ગુમાવી બેઠા અને તેમના સાથી સાંસદ અરવિંદ સાવંત અંગે વિવાદિત ટિપ્પણી કરતાં તેમને કડક ધમકાવતાં બેસી જવા કહી દીધું.
તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અરવિંદ સાવંતને કહ્યું કે ‘ઓય બેસ નીચે… જેવા જ લોકસભા અધ્યક્ષે આ મામલે હસ્તક્ષેપ કર્યો તો મંત્રીએ કહ્યું કે સાવંતની પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ બોલવાની લાયકાત જ નથી.
લોકસભામાં નારાયણ રાણેએ આ વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે લાયકાત નથી તેમની વડાપ્રધાન, અમિત શાહ વિશે બોલવાની… જાે કંઈ પણ બોલ્યા તો તમારી ઔકાત હું કાઢીશ, જાે કંઈ પણ બોલ્યા તો હું તમને તમારી લાયકાત બતાવી દઈશ.
જાેકે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નારાયણ રાણેને સંસદની અંદર તેમના શબ્દોની પસંદગી માટે ચોતરફી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું કે પીએમ મોદીના મંત્રીએ રોડના ગુંડા જેવી ભાષાનો પ્રયોગ કર્યો અને સંસદમાં જ ધમકી આપી છતાં બચી ગયા. જાેકે વિપક્ષના સાંસદોને મોદી સરકારને સવાલ પૂછવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવી રહ્યા છે.