હરિયાણાના નૂંહમાં થયેલી હિંસા અંગે મોનુ માનેસરનું પહેલું નિવેદન સામે આવ્યું છે. મોનુ માનેસરે મીડિયાને જણાવ્યું કે, હું ગઈકાલે નૂહ ગયો નહોતો. નૂંહમાં થયેલી હિંસા સાથે મારે કોઈ લેવાદેવા નથી. ઉલ્લેખનિય છે કે, નૂંહમાં શરૂ થયેલી હિંસા બાદ સોહના અને ગુરુગ્રામમાં પણ હિંસા ફેલાઈ ગઈ છે. ગુરુગ્રામમાં ટોળાએ એક મસ્જિદને આગ ચાંપી દીધી હતી. હિંસામાં અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયા છે.
બજરંગ દળના સભ્ય મોનુ માનેસર હરિયાણામાં ખાસ કરીને મેવાત પ્રદેશમાં ગાય સંરક્ષણનો મુખ્ય ચહેરો ગણવામાં આવે છે. તે ગાય-તસ્કરી રોકવા માટે તેના કેટલાક સહયોગીઓ સાથે મળીને કામ કરવાનો દાવો કરે છે. મોનુ માનેસર ભૂતકાળમાં ગાયની તસ્કરી વિરોધી ઝુંબેશને કારણે ચર્ચામાં રહ્યા છે. મોનુનું નામ થોડા મહિના પહેલા ચર્ચામાં હતું જ્યારે તેના પર નાસિર અને જુનૈદનું અપહરણ કરીને હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. જાે કે, મોનુ માનેસરે કહ્યું હતું કે, જે દિવસે ઘટના બની તે દિવસે તે ગુરુગ્રામમાં હતો અને તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. મોનુ માનેસર યુટ્યુબ પર પણ ફેમસ છે. મોનુ માનેસરના ફેસબુક પર ૮૩૦૦૦ અને યુટ્યુબ પર ૨,૦૫,૦૦૦ સબ્સ્ક્રાઇબર્સ છે. તે અવારનવાર પોતાની યુટ્યુબ ચેનલ પર ગાય સંરક્ષણ સાથે જાેડાયેલા વીડિયો શેર કરે છે.
કહેવામાં આવી રહ્યું છે કે, મોનુ માનેસરે એક દિવસ પહેલા જ વીડિયો જાહેર કરીને જાહેરાત કરી હતી કે તે યાત્રામાં સામેલ થવા જઈ રહ્યો છે, ત્યારથી તણાવનો માહોલ સર્જાયો હતો. મેવાતને અડીને આવેલા રાજસ્થાનના ભરતપુરના નાસીર અને જુનૈદની હત્યા કેસના આરોપી મોનુ માનેસરના મેવાદ આવ્યાના સમાચાર મળતા જ બંને પક્ષોએ સોશિયલ મીડિયા પર એકબીજાને પડકારવા અને ધમકીઓ આપવાનું શરૂ કર્યું.
મેવાદમાં શિવ મંદિરની સામે બૃજ મંડળ યાત્રા નિકળી રહી હતી, ત્યારે પથ્થરમારો થયો. આ બૃજ મંડળ યાત્રામાં બજરંગ દળના અનેક કાર્યકર્તા પહોંચ્યા હતા. મોનૂ માનેસરે પહેલા જ વીડિયો શેર કરીને યાત્રામાં વધુમાં વધુ લોકોને પહોંચવાની અપીલ કરી હતી. મોનૂ માનેસરની અપીલથી નારાજ નૂંહના સ્થાનિક લોકોએ ભારે હોબાળો કર્યો અને ત્યારે પથ્થરમારો શરૂ કર્યો હતો.
ગઈકાલે હરિયાણાના નુહ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ દુર્ગા વાહિની અને બજરંગ દળની બ્રજમંડલ ૮૪ કોસ શોભા યાત્રાને રોકવા માટે એક સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ થયેલી હિંસા અને આગચંપીની ઘટનાઓમાં બે હોમગાર્ડ સહિત કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૧૨થી પણ વધુ પોલીસકર્મી ઘાયલ થયા હતા. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હોમગાર્ડ જવાન નીરજનું ગોળી વાગવાથી મોત થયું હતું. હિંસામાં માર્યા ગયેલા બીજા હોમગાર્ડ જવાનની ઓળખ ગુરસેવક તરીકે થઈ હતી. આ પરિસ્થતિના આધારે ત્યાં ઈન્ટરનેટ સેવા પણ બંધ છે અને કલમ ૧૪૪ લાગવામાં આવી દીધી છે.
નૂહ જિલ્લામાં ધાર્મિક સરઘસ દરમિયાન કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો અને કારને આગ ચાંપી દીધી હતી જે બાદ હિંસા થઈ હતી. આ હિંસાને ધ્યાને રાખીને સરકારે નૂહમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ આવતીકાલ સુધી બંધ કરી દીધી છે. મોબાઈલ ફોન પર વોટ્સએપ, ફેસબુક ટ્વીટર જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખોટી માહિતી અને અફવાઓને ફેલાતો અટકાવવા માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
હરિયાણાના નૂહમાં બ્રજમંડલ યાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ હવે અર્ધલશ્કરી દળની બટાલિયન તૈનાત કરવામાં આવી છે. નૂહની હાલતને ધ્યાનમાં રાખીને કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ સાથે ગુરુગ્રામ, ફરીદાબાદ અને પલવલ જિલ્લામાં શાળાઓ, કોલેજાે, કોચિંગ સેન્ટરોમાં બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓને આ આદેશોનું ગંભીરતાથી પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.