AC: ચોમાસાની ચીકાશ અને ભેજથી છો પરેશાન? એસીના આ એક સેટિંગથી રૂમ બની જશે સુપર કમ્ફર્ટેબલ
ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ દેશના અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વરસાદ પડવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. ઠંડો પવન ચાલવાના કારણે ઘણી વખત એર કંડિશનર (AC) ચલાવવાની જરૂર પણ નથી પડતી. પરંતુ, આ આહલાદક હવામાન પોતાની સાથે ભારે ભેજ (Humidity) પણ લઈને આવે છે. હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જવાને કારણે, તાપમાન ઓછું હોવા છતાં શરીરને આરામ મળતો નથી. આ ચીકણા વાતાવરણને લીધે રૂમ ઠંડો હોવા છતાં ત્યાં સૂવું કે બેસવું મુશ્કેલ બની જાય છે.

શું વરસાદની ઋતુમાં એસી વાપરવું સંપૂર્ણપણે સુરક્ષિત છે?
સૌથી પહેલો અને મહત્વનો સવાલ એ થાય છે કે બહાર ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે એસી ચાલુ રખાય કે નહીં? તેનો સ્પષ્ટ જવાબ છે કે વરસાદમાં એસી વાપરવું ૧૦૦ ટકા સુરક્ષિત છે. એસીના આઉટડોર યુનિટ (Outdoor Unit) ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે તમામ પ્રકારની ઋતુ, કડકતો તડકો અને મુશળધાર વરસાદને સરળતાથી સહન કરી શકે. તેથી બહારના યુનિટ પર વરસાદી પાણીની કોઈ નકારાત્મક અસર થતી નથી. જોકે, ચોમાસામાં લો-વોલ્ટેજ, પાવર કટ અને વીજળી પડવાનું જોખમ રહેતું હોવાથી કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.
ચોમાસામાં ‘કૂલ મોડ’ નહીં, ‘ડ્રાય મોડ’ નો કરો ઉપયોગ
ઉનાળાની અસહ્ય ગરમીમાં રૂમને ઝડપથી ઠંડો કરવા માટે આપણે એસીને ‘કૂલ મોડ’ (Cool Mode) પર ચલાવીએ છીએ, જે રૂમની ગરમ હવાને બહાર ફેંકી ઠંડક આપે છે. પરંતુ ચોમાસામાં તમારે આ મોડ બદલવો પડશે. વરસાદના દિવસોમાં ગરમી કરતાં હવામાં ચીકાશ અને ભેજ મુખ્ય સમસ્યા હોય છે, જેમાં કૂલ મોડ અસરકારક સાબિત થતો નથી.
શ્રેષ્ઠ ઉપાય: ચોમાસા દરમિયાન એસીને હંમેશા ‘ડ્રાય મોડ’ (Dry Mode) પર ચલાવવું જોઈએ. આ મોડ રૂમની હવામાં રહેલા વધારાના ભેજને પાણીના ટીપાં સ્વરૂપે બહાર ખેંચી લે છે, જેનાથી રૂમનું વાતાવરણ એકદમ સૂકું અને આરામદાયક બની જાય છે. રાત્રે સૂવાના એકાદ કલાક પહેલાં એસીને ડ્રાય મોડ પર ચાલુ કરી દેવાથી રૂમની તમામ ચીકાશ ગાયબ થઈ જશે.
રૂમમાં બારી-બારણાં હોવા કે ન હોવાની એસી પર અસર
જો તમારા રૂમમાં કોઈ બારી નથી અથવા તમારું ઘર ચારેય તરફથી પેક છે, તો ભેજવાળી હવાને બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો નથી. આવા બંધ રૂમો ખૂબ જ ચીકણા થઈ જાય છે અને ત્યાં એસીનો ઉપયોગ કરવો અનિવાર્ય બની જાય છે. બીજી તરફ, જો રૂમમાં બારીઓ હોય, તો એસી ચાલુ કરતાં પહેલાં થોડીવાર માટે બારીઓ ખોલી દેવી જોઈએ. આ કુદરતી વેન્ટિલેશનને કારણે રૂમનો મોટો ભાગનો ભેજ આપોઆપ ઓછો થઈ જશે અને ત્યારબાદ એસી ચાલુ કરવાથી તે વધુ કાર્યક્ષમતા (Efficiency) સાથે કામ કરી શકશે. યાદ રાખો કે એસી ચાલુ કર્યા પછી બારી-બારણાં સંપૂર્ણ બંધ હોવા જોઈએ.

ચોમાસામાં એસી વાપરતી વખતે આ ૬ બાબતોનું ખાસ ધ્યાન રાખો
વરસાદની ઋતુમાં વીજળીના ઉપકરણોની જાળવણી ખૂબ જરૂરી છે. એસી વાપરતી વખતે નીચેની બાબતો અવશ્ય ધ્યાનમાં રાખો:
તાપમાનનું સેટિંગ: ચોમાસા દરમિયાન એસીનું તાપમાન હંમેશા ૨૪ થી ૨૬ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સેટ રાખો. આ તાપમાન શરીર માટે સ્વાસ્થ્યપ્રદ છે અને વીજળીનું બિલ પણ બચાવે છે.
પંખાનો સાથ: એસી ચાલુ હોવાની સાથે સીલિંગ ફેન (છતનો પંખો) પણ ધીમી ગતિએ ચાલુ રાખો. તેનાથી એસીની ઠંડી અને સૂકી હવા આખા રૂમમાં એકસમાન રીતે ફેલાઈ જશે.
વાવાઝોડા અને વીજળી વખતે સાવધાની: જ્યારે બહાર જોરદાર તોફાન હોય કે વીજળીના કડાકા-ભડાકા થતા હોય, ત્યારે એસીને તરત જ બંધ કરી દેવું હિતાવહ છે.
શોર્ટ સર્કિટથી બચાવ: જો તમારા વિસ્તારમાં વારંવાર લાઈટ આવ-જા કરતી હોય, તો એસીના કમ્પ્રેસરને નુકસાન ન થાય તે માટે એસીની મુખ્ય સ્વીચ બંધ કરી દેવી જોઈએ.
આઉટડોર યુનિટની તપાસ: એસીના બહારના યુનિટની આસપાસ ક્યાંય પાણી ભરાઈ ન રહેવું જોઈએ. જો આઉટડોર યુનિટ પાણીમાં ડૂબી ગયું હોય તો એસી ક્યારેય ચાલુ ન કરવું.
ફૅન મોડનો ઉપયોગ: આખી રાત ડ્રાય મોડમાં એસી ચલાવ્યા પછી, સવારે તમે એસીને માત્ર ‘ફૅન મોડ’ (Fan Mode) પર શિફ્ટ કરી શકો છો. તેનાથી રૂમમાં તાજી હવાનું પરિભ્રમણ જળવાઈ રહેશે.
