સાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આ વખતે ૧૫માં બ્રિક્સ શિખર સમ્મેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. જાેહાનિસબર્ગમાં યોજાઈ રહેલા આ શિખર સમ્મેલનમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે. પીએમ મોદી આવતી કાલે સંમેલનમાં ભાગ લેવા માટે રવાના થશે અને આ જ દિવસે સમૂહના વ્યાપાર મંચની બેઠક સાથે તેની શરૂઆત થશે. આ સમ્મેલન ૨૨થી ૨૪ ઓગષ્ટ સુધી ચાલશે.
આ સમ્મેલનમાં અનેક મુદ્દા પર ભારતનું ફોકસ રહેશે. જેમાં આર્થિક સુરક્ષા હિત જ સર્વોપરી થશે. આર્થિક સહયોગ, ખાદ્ય સુરક્ષા અને બ્રિક્સ વિસ્તારથી સબંધિત મુદ્દા પર ચર્ચામાં ભાગ લેવા ઉપરાંત પીએમ મોદી દ્વારા શિખર સમ્મેલનમાં સદસ્ય દેશોને એક-બીજાના સુરક્ષા હિતોનું સમ્માન કરવા અને આતંકવાદ વિરુદ્ધ એક અવાજમાં બોલવાની આવશ્યકતા પર પણ ભાર મૂકવાની ઉમ્મીદ છે.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, ચીનના શી જિનપિંગ, બ્રાઝિલના લુઈઝ લુલા દા સિલ્વા સહિત ૫૦ થી વધુ દેશોના નેતાઓની સામેલ થવાની સંભાવના છે. ૨૦૧૯ બાદ પીએમ મોદીનું આ પ્રથમ વ્યક્તિગત બ્રિક્સ સમ્મેલન હશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ સમ્મેલનમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાેડાશે.
મોદી મંગળવારે બિઝનેસ ફોરમને સંબોધિત કરશે જ્યાં તેમના પર આવા સમયમાં બ્રિક્સના મહત્વને રેખાંકિત કરવાની અપેક્ષા છે જ્યારે વિશ્વ હજુ પણ કોરોના મહામારી, યુક્રેન યુદ્ધના પરિણામો સાથે ઝઝૂમી રહ્યું છે. પીએમમોદી પોતાના સંબોધનમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિત તેમની સરકારની કેટલીક સિદ્ધિઓને પણ ગણાવી શકે છે.શિખર સંમેલનના પ્રથમ દિવસે નેતાઓની મુલાકાત વચ્ચે પીએમ મોદી પ્રથમ વખત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે રૂબરૂ થશે. જાે કે સત્તાવાર રીતે બંને નેતાઓની મુલાકાત હજુ સુધી સામે નથી આવી. બંને પક્ષોએ બેઠકનો પણ ઈનકાર નથી કર્યો કારણ કે, બંને નેતાઓ જાેહાનિસબર્ગમાં લગભગ ૪૮ કલાક એક સાથે રહેશે.
એવી પણ શક્યતા છે કે, પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા અને આ યુદ્ધને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવા માટે પણ ભાર મૂકી શકે છે. બીજી તરફ પીએમ શી જિનપિંગની હાજરીમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવવા પર પણ વિચાર કરી શકે છે.
બ્રિક્સ સદસ્યતા માટે ૨૨ દેશોની કતારમાં હોવાથી સભ્ય દેશોનું ફોકસ તેના વિસ્તરણ પર પણ રહેશે.
ચીનના અતિશય પ્રભાવના ડરથી અને પશ્ચિમથી દૂર રહેવાથી સાવચેત રહીને ભારત અને બ્રાઝિલ બંનેએ આ મુદ્દા પર સાવધાનીપૂર્વક પગલું ભર્યું છે. હાલમાં બ્રિક્સના બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા એમ પાંચ સદસ્યો છે.