Outlook અને Teams બંધ રહેતાં થયું નુકસાન? માઇક્રોસોફ્ટ આપશે બિલમાં છૂટ, 31 ડિસેમ્બર છેલ્લી તારીખ!
આજના ડિજિટલ યુગમાં ઇમેઇલ, ઓનલાઇન મીટિંગ અને ઓફિસના કામકાજ માટે માઇક્રોસોફ્ટની સેવાઓ પર લાખો લોકો નિર્ભર છે. પરંતુ 12 નવેમ્બરે માઇક્રોસોફ્ટની સેવાઓમાં સર્જાયેલી મોટી ટેકનિકલ ખામીએ વિશ્વભરના યુઝર્સ અને કંપનીઓનું કામકાજ ખોરવી નાખ્યું હતું. 36 કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ સમસ્યાને કારણે Microsoft 365, Outlook અને Teams જેવી સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે, હવે કંપનીની સેવાઓ ફરી સામાન્ય થઈ ગઈ છે. આ ઘટનાની વચ્ચે બિઝનેસ સબ્સ્ક્રિપ્શન ધરાવતા ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. કેટલાક પાત્ર ગ્રાહકો આ સમયગાળા દરમિયાન થયેલી સેવા ખામીને કારણે સર્વિસ ક્રેડિટ એટલે કે બિલમાં છૂટ મેળવવા માટે દાવો કરી શકે છે.

માઇક્રોસોફ્ટના બિઝનેસ ગ્રાહકોને મળી શકે છે વળતર
માઇક્રોસોફ્ટના કેટલાક બિઝનેસ સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં સર્વિસ લેવલ એગ્રીમેન્ટ (SLA) આપવામાં આવે છે. આ કરાર હેઠળ કંપની પોતાની ઓનલાઇન સેવાઓ માટે માસિક 99.9 ટકા અપટાઇમનું લક્ષ્ય રાખે છે. જો કોઈ સેવા આ નિર્ધારિત માપદંડને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો પાત્ર બિઝનેસ ગ્રાહકો સર્વિસ ક્રેડિટ માટે અરજી કરી શકે છે. જોકે, આ રકમ સીધી બેંક ખાતામાં પરત મળતી નથી. તેના બદલે આગામી સબ્સ્ક્રિપ્શન બિલમાં નિર્ધારિત પ્રમાણમાં છૂટ આપવામાં આવે છે. એટલે કે આર્થિક રાહત મેળવવા માટે ગ્રાહકોએ કંપની સમક્ષ યોગ્ય દાવો રજૂ કરવો જરૂરી છે.
કેટલા ટકા સુધીનું સર્વિસ ક્રેડિટ મળી શકે?
સેવા કેટલા સમય સુધી બંધ રહી અને કયા સબ્સ્ક્રિપ્શન પ્લાન પર અસર થઈ તેના આધારે ગ્રાહકોને 25 ટકા, 50 ટકા અથવા 100 ટકા સુધીનું સર્વિસ ક્રેડિટ મળી શકે છે. માઇક્રોસોફ્ટ યુઝર-મિનિટ્સના આધારે ડાઉનટાઇમની ગણતરી કરે છે. દરેક સેવા માટે ક્રેડિટ અલગ હોઈ શકે છે. તેથી તમામ ગ્રાહકોને સમાન વળતર મળશે તેવું નથી.
દરેક માઇક્રોસોફ્ટ યુઝરને નહીં મળે આ લાભ
આ વળતરનો લાભ મુખ્યત્વે પાત્ર બિઝનેસ સબ્સ્ક્રિપ્શન ધરાવતા ગ્રાહકો માટે છે. તેમાં Microsoft 365 Business, Exchange Online અને Teams Premium જેવા પ્લાનનો સમાવેશ થઈ શકે છે. જોકે, માત્ર Outlook બંધ રહેવાને કારણે આખા Microsoft 365 પેકેજનું વળતર મળતું નથી. પર્સનલ અને ફેમિલી પ્લાનના સામાન્ય ગ્રાહકો આ સર્વિસ ક્રેડિટ યોજનામાં સામેલ નથી. તેઓ અલગથી રિફંડની વિનંતી કરી શકે છે, પરંતુ તેનો નિર્ણય કંપનીની નીતિ પર આધારિત રહેશે.

માઇક્રોસોફ્ટ પાસેથી વળતર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી?
જો તમે સીધા માઇક્રોસોફ્ટ પાસેથી બિઝનેસ સબ્સ્ક્રિપ્શન ખરીદ્યું હોય તો સૌથી પહેલાં Microsoft 365 Admin Centreમાં લોગિન કરો. ત્યારબાદ બિલિંગ વિભાગમાં તમારી સબ્સ્ક્રિપ્શન વિગતો તપાસો. સ્ક્રીનના નીચેના જમણા ખૂણે આપેલા હેડસેટ આઇકોન પર ક્લિક કરીને Help & Support અને ત્યારબાદ Contact Support પસંદ કરો. અહીં ઇમેઇલ દ્વારા ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ પસંદ કરી શકાય છે.
ક્લેમ કરતી વખતે આ વિગતો આપવી પડશે
ફરિયાદ નોંધાવતી વખતે આઉટેજની સંપૂર્ણ વિગતો, અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા, સંબંધિત સ્થળ અને ઘટનાનો ઇન્સિડન્ટ આઈડી આપવો જરૂરી બની શકે છે. અરજી સબમિટ કર્યા પછી તમને એક કેસ નંબર આપવામાં આવશે. આ નંબર દ્વારા તમે તમારી ફરિયાદની સ્થિતિ જાણી શકશો. માઇક્રોસોફ્ટની ટીમ અરજીની સમીક્ષા કર્યા બાદ નક્કી કરશે કે ગ્રાહક સર્વિસ ક્રેડિટ મેળવવા માટે પાત્ર છે કે નહીં.
થર્ડ પાર્ટી પાસેથી પ્લાન લીધો હોય તો શું કરવું?
જો તમે માઇક્રોસોફ્ટનું સબ્સ્ક્રિપ્શન કોઈ થર્ડ પાર્ટી રિસેલર અથવા ક્લાઉડ સોલ્યુશન પ્રોવાઇડર પાસેથી લીધું હોય તો સીધા માઇક્રોસોફ્ટને બદલે તમારા સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરવો પડશે. આપેલી માહિતી મુજબ, 12 નવેમ્બરના આઉટેજ માટે ક્લેમ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2026 છે. જોકે, અરજી કરતાં પહેલાં તમારા પ્લાનની પાત્રતા, લાગુ પડતી શરતો અને સમયમર્યાદાની સત્તાવાર પુષ્ટિ જરૂર કરવી.
