Meta
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ કંપનીની ગુપ્ત માહિતી લીક કરવાના આરોપમાં આશરે 20 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. આ કાર્યવાહી આંતરિક તપાસ બાદ કરવામાં આવી છે, જેમાં એવું સામે આવ્યું કે, અમુક કર્મચારીએ જાહેરાત નથી થઈ તેવા પ્રોજેક્ટ પ્લાન અને ઈન્ટરનલ બેઠકો સાથે જોડાયેલી જાણકારી લીક કરી હતી. મેટાએ લાંબા સમયથી માહિતી લીક થવા મામલે કડક પગલાં લીધા છે અને કર્મચારીને ચેતવણી આપી છે કે, આંતરિક જાણકારી શેર કરવી પછી ભલે તેનો હેતું કંઈપણ હોય તે કંપનીના નિયમોનું ઉલ્લંઘન છે. કંપનીના CEO માર્ક ઝુકરબર્ગ અને CTO એન્ડ્રયુ બોસવર્થ સહિત અન્ય અધિકારીઓએ માહિતી લીક થવા મામલે નારાજગી વ્યક્ત કરી છે. બોસવર્થે કહ્યું કે, જાણકારી લીક કરનારને પકડવાની અમારી ક્ષમતામાં સતત વધી રહી છે.
META ના પ્રવક્તા ડેવ અર્નોલ્ડે કહ્યું કે, ‘હાલમાં જ અમે તપાસ કરી, ત્યારબાદ આશરે 20 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. આ કર્મચારીઓએ ગોપનીય જાણકારી કંપનીની બહાર શેર કરી હતી. આવનારા સમયમાં આ વિશે હજુ વધુ કાર્યવાહી કરવામાં આવી શકે છે.’
જણાવી દઈએ કે, છેલ્લાં અનેક મહિનામાં મેટાને જાણકારી લીક થવાની ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં CEO માર્ક ઝુકરબર્ગ દ્વારા કરવામાં આવેલી આંતરિક ચર્ચાઓ સાથે જોડાયેલા રિપોર્ટ પણ સામેલ છે. હાલમાં જ થયેલી ઑલ-હેન્ડ્સ મીટિંગમાં ઝુકરબર્ગે કર્મચારીઓનું સંબોધન કર્યું હતું પરંતુ, તેની માહિતી મીડિયામાં લીક થઈ ગઈ. ત્યારબાદ કંપનીએ આ મામલે કડક વલણ લેવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે, મેટાએ હજુ સુધી ખુલાસો નથી કર્યો કે, આરોપી કર્મચારીની ઓળખ કેવી રીતે કરવામાં આવી અથવા તે કયા વિભાગમાં કામ કરતા હતાં. મેટાના ચીફ ટેક્નોલોજી ઓફિસર એન્ડ્રયુએ બોસવર્થે બાદમાં કહ્યું કે, કંપની માહિતી લીક કરનારને પકડવામાં પ્રગતિ કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે, તેમનું આ નિવેદન પણ મીડિયામાં લીક થઈ ગયું.