ચેટબોટ નહીં પણ ડિજિટલ આસિસ્ટન્ટ! જાણો શું છે ‘Meta Muse’ અને તે ઈમેલ મોકલવાથી લઈને શોપિંગ સુધી કેવી રીતે મદદ કરશે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ની દુનિયામાં એક નવો યુગ શરૂ થઈ ચૂક્યો છે. અત્યાર સુધી આપણે AI ને માત્ર સવાલો પૂછવા કે લખાણ લખાવવા પૂરતું મર્યાદિત માનતા હતા. પરંતુ હવે ટેકનોલોજી દિગ્ગજ Meta (મેટા) એ આ વ્યાખ્યા સંપૂર્ણપણે બદલી નાખી છે. મેટાએ પોતાનું નવું પાવરફુલ પર્સનલ AI એજન્ટ ‘Muse’ (મ્યૂઝ) લોન્ચ કર્યું છે. આ માત્ર વાતચીત કરતું ચેટબોટ નથી, પરંતુ એક એવું એજન્ટ છે જે તમારા કમાન્ડ પર ઈમેલ મોકલવા, ટિકિટ બુક કરવા, શોપિંગ કરવાથી લઈને રોજીંદા અનેક ડિજિટલ કામો આપમેળે કરી શકે છે. આવો જાણીએ શું છે આ ટેકનોલોજી અને તે કેવી રીતે કામ કરે છે.

AI એજન્ટ Meta Muse કેવી રીતે કામ કરે છે?
Meta Muse ની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માનવીય હસ્તક્ષેપ વગર જટિલ કાર્યો પણ પૂર્ણ કરી શકે છે. યુઝર્સ આ સર્વિસનો ઉપયોગ અલગ એપ અથવા પોતાના વોટ્સએપ (WhatsApp) મારફતે સરળતાથી કરી શકે છે. તમારે માત્ર Muse ને આદેશ આપવાનો રહે છે કે તમારે શું કામ કરાવવું છે.
ત્યારબાદ, Muse ‘Spark’ મોડલની મદદથી તે કામ પૂરું કરવા માટે એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરે છે. તે બ્રાઉઝર ઓપન કરી શકે છે, ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને જરૂર પડે તો ડીલ નેગોસિએટ (ભાવતાલ) પણ કરી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, તમારી એપ બંધ થયા પછી પણ Muse બેકગ્રાઉન્ડમાં પોતાનું કામ ચાલુ રાખે છે. કામમાં કોઈ ફેરફાર થાય કે તમારી મંજૂરીની જરૂર હોય ત્યારે તે તમને નોટિફિકેશન આપી દે છે.
ઈમેલથી લઈને ઓનલાઈન શોપિંગ સુધી: શું કરી શકે છે Muse?
Meta Muse માત્ર ટૂંકા ગાળાના જ નહીં, પરંતુ લાંબા ગાળાના લક્ષ્યોને પણ એક્શન પ્લાનમાં બદલીને કામ કરી શકે છે. ઉદાહરણ તરીકે, પોતાની કાર સારા ભાવે વેચવી, ઘરમાં આવતા બિલ ઓછા કરાવવા કે પર્સનલ ફિટનેસ પ્લાન એડજસ્ટ કરવો જેવા કાર્યો પણ તે જાતે સંભાળી શકે છે.
આ ઉપરાંત, ટ્રાવેલ ટિકિટ બુક કરવી, કેલેન્ડર અને શિડ્યુલ મેનેજ કરવું તેમજ ઓનલાઈન ખરીદી કરવી એ તેના માટે ખૂબ જ સરળ કામ છે. ઓનલાઈન શોપિંગ દરમિયાન Muse ‘Stripe’ ના Link પેમેન્ટ ટૂલ દ્વારા ચેકઆઉટ પ્રક્રિયા પૂરી કરે છે. સિક્યોરિટી માટે મેટા જણાવે છે કે દરેક ખરીદી માટે વન-ટાઇમ યુઝ કાર્ડ જનરેટ થાય છે, જેથી યુઝરના અસલી કાર્ડની વિગતો સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.

ડેટા અને પ્રાઈવસી કેટલી સુરક્ષિત?
મેટાના જણાવ્યા અનુસાર, યુઝર્સની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. Muse એક ‘Muse Secure VM’ નામના અલગ વર્ચ્યુઅલ કમ્પ્યુટર પર રન થાય છે. આનાથી યુઝરનો પર્સનલ ડેટા અને AI એજન્ટનું સિસ્ટમ બિલકુલ અલગ રહે છે.
યુઝર પોતે જ નક્કી કરે છે કે Muse ને કઈ કઈ એપ્સનો એક્સેસ આપવો અને જરૂર પડે ત્યારે તે પરમિશન પાછી પણ ખેંચી શકે છે. આ સિવાય ‘Sentinel’ નામનું બીજું સિક્યોરિટી સિસ્ટમ Muse ના દરેક ઓનલાઈન એક્શન પર નજર રાખે છે. કોઈપણ સંવેદનશીલ વ્યવહાર વખતે તે યુઝરની મંજૂરી માંગે છે. તેમજ તમારા પાસવર્ડ અને કાર્ડ વિગતો સીધી રીતે Muse ને ક્યારેય દેખાતી નથી.
લોન્ચિંગ, કિંમત અને પ્લાન્સ
હાલમાં Meta Muse નું રોલઆઉટ અમેરિકામાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના યુઝર્સ માટે iOS, Android અને muse.ai પર શરૂ કરવામાં આવ્યું છે.
મોટાભાગના યુઝર્સ માટે એનું બેઝિક વર્ઝન મફત છે, જેમાં અઠવાડિયે ૧૦૦ મિલિયન ટોકન સુધીની મફત સુવિધા મળે છે. તેનાથી વધુ કે એડવાન્સ ઉપયોગ માટે ‘Power Plan’ ૨૦ ડોલર પ્રતિ મહિને અને ‘Maximum Plan’ ૧૦૦ ડોલર પ્રતિ મહિનાના દરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
