સુરતમાં ગેસ ગળતરની મોટી દુર્ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સુરતના માંગરોળમા આવેલ નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની આ શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના છે. જ્યા મોટા બોરસરા ગામે ફેકટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા. આ વેળાએ ગેસ ગળતર થતા ચાર કામદારોને ઝેરી અસર થવા પામી હતી. જેને લઈને ઉહાપોહ મચી ગયો હતો.
કામદારોએ કેમિકલવાળા ડ્રમ ખોલતા જ ચાર કામદારોને ઝેરી અસરને લઈને શ્વાસ રૂંધાયો હતો. જેમાં ચારેયના મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. બીજી બાજુ આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યા હાલ તમામના મૃતદેહને પીએમ અર્થે કીમની સાધના હોસ્પિટલમાં લવાયા હતા.
મૃતકના ભાઈનો આરોપ છે કે કંપનીવાળા સાબુની ફેક્ટરીના નામે ફેક્ટરી ચલાવે છે અને કેસ રફેદફે કરવાની ફિરાકમાં છે. જાે કે સાબુની આડમાં કેમિકલની ફેક્ટરી ચલાવતા હોવાનો સીધો આક્ષેપ મૃતકના ભાઈએ કર્યો છે. મૃતક કામદારને માત્ર ૧૨ હજાર પગાર હતો. હાલ તેમના મોત બાદ તેમના પરિવારમાં ત્રણ બાળકો અને પત્ની નોંધારા બની ગયા છે. ત્યારે પરિવારે ન્યાયની માગ કરી રહ્યો છે.