લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શિવસેના સાંસદ અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યા. ઉપરાંત તેમણે કહ્યું કે, એક સમયે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વાંચવા પર પ્રતિબંધ હતો. વાસ્તવમાં તેમના સંબોધન દરમિયાન મહિલા સાંસદો તેમને પૂછ્યું કે, શું તમને હનુમાન ચાલીસા આવડે છે ? આ સવાલ બાદ શ્રીકાંતે ગૃહમાં જ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરુ કરી દીધો… એટલું જ નહીં જ્યાં સુધી તેમને રોકાયા નહીં ત્યાં સુધી તેઓ હનુમાન ચાલીસા બોલતા રહ્યા. તેમણે લગભગ ૩૦ સેકન્ડ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો.
આ અગાઉ શિવસેના સાંસદે વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં કહ્યું હતું કે, વિપક્ષો તેમના વિરુદ્ધ ૨૦૨૩માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે અને આજે તેવી સ્થિતિ જ જાેવા મળી રહી છે. તેમણે કહ્યું કે, વિપક્ષો જ્યારે ૨૦૧૮માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા ત્યારે ૨૦૧૯માં એનડીએના વધુ સાંસદો ચૂંટાઈને આવ્યા… ૨૦૧૪માં એનડીએ સાંસદોની સંખ્યા ૩૩૬ હતી, જે વધીને ૩૫૩ સુધી પહોંચી ગઈ… હવે વિપક્ષો ફરી અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે તો ૨૦૨૪માં એનડીએસાંસદોની સંખ્યા ૪૦૦ને પાર પહોંચી જશે.
શ્રીકાંત શિંદેએ તેમના સંબોધનમાં કહ્યું કે, આજે ગૃહમાં થઈ રહેલી ચર્ચા અવિશ્વાસની નહીં, પરંતુ અવિશ્વાસ વિરુદ્ધ પ્રજાના વિશ્વાસની છે, કારણ કે જનવિશ્વાસ મોદીની સાથે છે. વિપક્ષે તેમના ગઠબંધનનું નામ યુપીએથી બદલીને ઈન્ડિયા કરી દીધું છે. તેમને યુપીએના નામથી શરમ આવે છે, કારણ કે યુપીએનું નામ સાંભળતા જ લોકોને ભ્રષ્ટાચાર, કૌભાંડ, આતંકી હુમલા યાદ આવી જાય છે.