જોઈન્ટ હોમ લોન લેનાર કો-બોરોઅરના અવસાન બાદ શું સંપૂર્ણ કરજ માફ થાય છે? ઈન્સ્યોરન્સ ક્લેમ અને કાનૂની વારસદારો માટે ખાસ જાણકારી
જ્યારે કોઈ દંપતી કે ભાગીદારો સાથે મળીને ઘર ખરીદવા માટે જોઈન્ટ હોમ લોન (Joint Home Loan) લે છે, ત્યારે બંને ભેગા મળીને ઈએમઆઈ (EMI) ચૂકવે છે. પરંતુ જો કમનસીબે લોન ચાલુ હોય તે દરમિયાન બેમાંથી એક કો-બોરોઅર (સહ-દેવાદાર)નું અવસાન થાય, તો બાકીની લોન, ઘરની માલિકી અને વીમાને લઈને અનેક કાનૂની અને નાણાકીય પ્રશ્નો ઊભા થાય છે. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે વ્યક્તિના મૃત્યુ સાથે જ લોન માફ થઈ જાય છે, પરંતુ બેંકિંગ નિયમો અનુસાર લોન આપમેળે પૂરી થતી નથી.

જીવિત પાર્ટનર પર આવી શકે છે સંપૂર્ણ જવાબદારી
બેંકિંગ અને હોમ લોનના નિયમો મુજબ, જોઈન્ટ હોમ લોનમાં બંને ઉધારકર્તાઓની જવાબદારી માત્ર તેમના અડધા હિસ્સા પૂરતી સીમિત નથી હોતી. કાનૂની ભાષામાં આને ‘જોઈન્ટ અને સેવરલ લાયબિલિટી’ કહેવામાં આવે છે. એટલે કે એક ભાગીદારના મૃત્યુ પછી બાકી બચેલા આખા દેવાની વસૂલાત કરવાની સંપૂર્ણ જવાબદારી જીવિત પાર્ટનર પર આવી જાય છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ દંપતીએ ₹૬૦ લાખની હોમ લોન લીધી હોય અને એક પાર્ટનરના અવસાન સમયે ₹૪૨ લાખની લોન બાકી હોય, તો જીવિત પાર્ટનર એવું ન કહી શકે કે તે માત્ર તેના હિસ્સાના ₹૨૧ લાખ જ ભરશે. બેંક કાયદાકીય રીતે જીવિત પાર્ટનર પાસેથી બાકીના પૂરા ₹૪૨ લાખની ચુકવણી કરવાની માગ કરી શકે છે.
કાનૂની વારસદારોની જવાબદારી અને પ્રોપર્ટી પર હક
મૃત્યુ પામેલી વ્યક્તિના કાનૂની વારસદારો (જેમ કે બાળકો કે માતા-પિતા) પોતાની અંગત કમાણી કે બચતમાંથી લોન ભરવા માટે અંગત રીતે જવાબદાર હોતા નથી. જોકે, તેમને વારસામાં મળતી મિલકત પર બેંકના બાકી લેણાંની સીધી અસર પડે છે. જો મૃતકનો તે ઘરમાં હિસ્સો હતો અને તે મિલકત બેંક પાસે ગીરવે (Mortgage) મૂકેલી હતી, તો બેંક પોતાના લેણાં વસૂલ કરવા માટે તે મિલકત પર દાવો કરી શકે છે. જ્યાં સુધી બાકી લોન ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વારસદારોને ઘરનો સંપૂર્ણ માલિકી હક મળી શકતો નથી.

હોમ લોન ઈન્સ્યોરન્સથી મળી શકે છે મોટી રાહત
જો હોમ લોન લેતી વખતે લોન પ્રોટેક્શન પ્લાન કે ક્રેડિટ-લિંક્ડ લાઈફ ઈન્સ્યોરન્સ (Credit-Linked Life Insurance) લીધેલો હોય, તો આવી મુશ્કેલ પરિસ્થિતિમાં મોટી રાહત મળે છે. પોલિસીની શરતો મુજબ, વીમા કંપની બાકી રહેલી લોનની રકમ અથવા તેનો અમુક હિસ્સો બેંકને ચૂકવી દે છે.
પરંતુ દરેક જોઈન્ટ લોન પૂર્ણપણે વીમાકૃત હોય તે જરૂરી નથી. ઘણીવાર પોલિસી માત્ર મુખ્ય કમાનાર વ્યક્તિના નામે જ હોય છે. તેથી બંને બોરોઅર્સમાંથી કોનો વીમો થયેલો છે, કવરેજ કેટલું છે અને શરતો શું છે તે ચકાસવું ખૂબ મહત્વનું છે.
ઈન્સ્યોરન્સ ક્લેમ દરમિયાન આટલી સાવચેતી રાખવી
કોઈ ઘટના બને ત્યારે પરિવારજનોએ બેંકને તાત્કાલિક લેખિતમાં જાણ કરીને ડેથ સર્ટિફિકેટ અને જરૂરી કાનૂની દસ્તાવેજો જમા કરાવવા જોઈએ. સાથે જ ઈન્સ્યોરન્સ કંપની પાસે ક્લેમની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવી જોઈએ.
સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં સુધી વીમા કંપની તરફથી ક્લેમની રકમ મંજૂર થઈને બેંકમાં જમા ન થાય, ત્યાં સુધી પરિવારે હોમ લોનની ઈએમઆઈ (EMI) ભરવાનું અચાનક બંધ કરવું જોઈએ નહીં. ઈએમઆઈ બાકી બોલવાથી ડિફોલ્ટ નોંધાઈ શકે છે અને વિલંબિત પેનલ્ટી ચાર્જ લાગી શકે છે.
