ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની તેના ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બીજી તરફ મેકર્સે તેના બીજા ગીત ‘છલેયા’નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. આ બધા અપડેટ્સની વચ્ચે ‘જવાન’ તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, એક વ્યક્તિએ ‘જવાન’નો એક સીન ચોરીને સોશિયલ મીડિયા પર લીક કરી દીધો છે. ત્યારબાદ ફિલ્મ નિર્માતાઓએ તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધાવી છે. મુંબઈ પોલીસે કહ્યું હતું કે, તેમણે ફિલ્મ ‘જવાન’ની ક્લિપ ચોરી કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ કેસ નોંધ્યો છે. પોલીસે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૭૯ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી. જવાન સાથે જાેડાયેલી એક ક્લિપ ચોરી કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી હતી. હવે મુંબઈ પોલીસે કોપીરાઈટ ભંગ બદલ આઈટી હેઠળ કેસ નોંધ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ‘જવાન’ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું. ત્યારે નિર્માતાઓએ એક નિયમ બનાવ્યો હતો કે, સેટ પર કોઈની પાસે ફોન અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણ નહીં હોય. આટલા કડક નિયમ હોવા છતાં ‘જવાન’ની ક્લિપ સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ છે. આ કિસ્સામાં એવું બહાર આવ્યું છે કે, આ ક્લિપ ૫ ટિ્વટર એકાઉન્ટ્સથી શેર કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, શાહરૂખની આ ફિલ્મમાં વિજય સેતુપતિ, દિપીકા પાદુકોણ પણ લીડ રોલમાં છે. ઉપરાંત સાન્યા મલ્હોત્રા, પ્રિયમણિ, ગિરિજા ઓક, સંજિતા ભટ્ટાચાર્ય, લેહર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા પણ જાેવા મળશે. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બર ૨૦૨૩એ વિશ્વભરના સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે.