પાકિસ્તાનની સીમા હૈદરની જેમ ફરી એક પરિણીત મહિલાએ સરહદ પાર કરી છે. આ વખતે પણ પ્રેમી ભારતનો છે પરંતુ મહિલા કોઈ અન્ય દેશની છે. પોલેન્ડની મહિલા બાર્બરા પોલાક પોતાના પ્રેમની ખાતર ઘણાં દેશોની સરહદ પાર કરીને પ્રેમી સાદાબ મલિકને મળવા ઝારખંડના હજારીબાગના ખુતરા ગામમાં પહોંચી હતી. બાર્બરા પોલાકે વર્ષ ૨૦૨૧માં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સાદાબ સાથે મિત્રતા કરી હતી. બંને વચ્ચે સતત ચેટિંગ થતું હતું અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ૪૯ વર્ષની બાર્બરા અને ૩૫ વર્ષીય સાદાબનો પ્રેમ એટલો વધી ગયો કે તેણે ભારત આવવા માટે વિઝા માટે અરજી કરી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ તેને ૫ વર્ષ માટે ભારત આવવા માટે વિઝા મળ્યો. વિઝા મળ્યા બાદ વિદેશી મહિલા ભારત પહોંચી અને સાદાબને મળી હતી. જે બાદ તે સાદાબ સાથે હજારીબાગ આવી હતી.
ઘણા દિવસો સુધી હોટલમાં રોકાયા બાદ તે ૫ દિવસ પહેલા તેના પ્રેમી સાથે ખુતરા ગામે પહોંચી હતી. સાદાબના ઘરે પહોંચતા જ વિદેશી મહિલાએ ગરમીના કારણે ૨ એસી અને કલર ટીવી લગાવ્યા હતા. તેમણે કહ્યું કે ભારત ખૂબ જ સુંદર દેશ છે, અહીંના લોકો પણ સારા છે. હું સાદાબ વિના નથી રહી શકતી, પરંતુ જ્યારે અહીંથી ઘણા બધા લોકો સાદાબના ઘરે ભેગા થાય છે, ત્યારે અમને અસ્વસ્થતા અનુભવાય છે. તે ઘરે ઘરેલુ કામ જાતે જ કરે છે અને હાથ પર મોજા લગાવીને ગાયનું છાણ અને કચરો સાફ કરે છે. અહી ગામમાં વિદેશી મહિલાના આગમનની જાણ થતા તેને જાેવા માટે ભીડ ઉમટી પડી હતી. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓએ તરત જ મામલાની નોંધ લીધી અને હજારીબાગ હેડક્વાર્ટરના ડીએસપી રાજીવ કુમાર, પેલાવલ ઓપીના ઈન્ચાર્જ અભિષેક કુમાર સિંહ ખુટરા ગામમાં પહોંચ્યા અને પોલેન્ડથી આવેલી મહિલાની પૂછપરછ કરી હતી. આ ક્રમમાં, તેણે પોલીસ અધિકારીઓને તેના વિઝા બતાવ્યા અને મોહમ્મદ સાદાબ મલિક સાથે પ્રેમમાં હોવાની વાત કહી હતી. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે હાલમાં તે ટુરિસ્ટ વિઝા પર ભારત આવી છે અને થોડા દિવસો પછી પરત જશે.
મહિલાની સાથે તેની ૬ વર્ષની પુત્રી આનિયા પોલજા પણ છે. બાર્બરા પોલેન્ડની ભાષા પોલીશ બોલે છે અને અંગ્રેજીમાં વાત પણ કરે છે. સાદાબ તેને ટ્રાન્સલેટ કરીને બતાવે છે. અહીં મીડિયા સાથે વાત કરતાં બાર્બરાએ કહ્યું કે સાદાબ મારો મિત્ર છે અને હું તેને દિલથી પ્રેમ કરું છું. પોલેન્ડમાં તેનું પોતાનું ઘર, કાર તેમજ તે નોકરી પણ કરે છે. તે સાદાબને પોલેન્ડ માટે વિઝા મેળવવા અને તેને પોલેન્ડ લઈ જવાનો પ્રયાસ કરી રહી છે જેથી તે સારું જીવન જીવી શકે. અહીં સાદાબ ૪ ભાઈ-બહેનોમાં બીજા નંબરે છે અને તે અપરિણીત છે. જ્યારે તેની ૨ બહેનો પરિણીત છે. તેના માતા-પિતા ગુજરી ગયા છે. સાદબ કહે છે કે પ્રેમમાં ઉંમરનો કોઈ ફરક નથી પડતો. હું ખુશ છું કે બાર્બરા મારી મિત્ર અને હવે જીવનસાથી બનવા પણ તૈયાર છે. સાદાબ એક ડાન્સર છે અને તેણે મુંબઈમાં ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા છે.