ક્વોલિટી એજ્યુકેશન માટે ભારતથી કેનેડા જઈ રહેલા યુવાનોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. કેનેડા અત્યારે ભારતીય સ્ટુડન્ટ્સ માટે એક ફેવરિટ દેશ બની ગયો છે. પરંતુ તેના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેનેડામાં પણ તકલીફો વધી રહી છે. ભારતથી કેનેડા ગયેલા યુવાનોને જાેબ મળવી તો મુશ્કેલ છે જ, સાથે સાથે હવે હાઉસિંગની પણ અછત પેદા થઈ છે. એક રીતે જાેવામાં આવે તો કેનેડામાં અત્યારે હાઉસિંગ ક્રાઈસિસ ચાલે છે અને તેના માટે વિદેશી સ્ટુડન્ટ્સની વધતી સંખ્યાને જવાબદાર ગણવામાં આવે છે. તેના કારણે કેનેડાએ સ્ટુડન્ટ વિઝાની સંખ્યા ઘટાડવા વિચારણા શરૂ કરી છે જેથી બહારના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી શકાય. કેનેડામાં સ્ટુડન્ટ્સના કારણે મકાનોની એટલી બધી ડિમાન્ડ છે કે ભાડાના દર એકદમ વધી ગયા છે. હવે હાઉસિંગ મિનિસ્ટર સિન ફ્રેઝરે જણાવ્યું કે તેઓ સ્ટુડન્ટ વિઝા પર અંકુશ રાખવા વિચારે છે જેથી હાઉસિંગ કટોકટી ટાળી શકાય. ૨૦૨૨ના આંકડા પ્રમાણે કેનેડામાં લગભગ ૮ લાખથી વધારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ ભણતા હતા.
૨૦૧૨માં આ સંખ્યા માત્ર ૨.૭૫ લાખ હતી. એટલે કે એક દાયકામાં સ્ટુડન્ટની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. કેનેડાએ ઈમિગ્રેશનના નિયમો હળવા કર્યા અને વર્ક પરમિટની સગવડ આપી ત્યાર પછી તો દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ દેશમાં આવી રહ્યા છે, જ્યાં તેમને ક્વોલિટી એજ્યુકેશનની સાથે સાથે રહેવાની પણ તક મળે છે. સિન ફ્રેઝર ગયા મહિના સુધી કેનેડાના ઈમિગ્રેશન મંત્રી હતા અને હવે તેઓ હાઉસિંગ મંત્રી બન્યા છે. તેથી તેમને આખી સમસ્યાની જાણકારી છે. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ કેનેડા આવતા હોવાના કારણે મકાનોની અછત પેદા થઈ છે અને ભાડા એટલા બધા વધી ગયા છે કે મોટા ભાગના લોકોને પોસાય તેમ નથી. તેમણે કહ્યું કે હાઉસિંગની કટોકટી ઉકેલવા માટે વિદેશી સ્ટુડન્ટને આપવામાં આવતા વિઝા પર અંકુશ મુકી શકાય છે. જાેકે, સરકારે હજુ આ વિશે ર્નિણય નથી લીધો. કેનેડાએ જે ઈમિગ્રેશન પ્રોગ્રામ લાગુ કર્યો છે તે ટેમ્પરરી હતો. તેને આટલા ટૂંકા ગાળામાં જાેરદાર સફળતા મળશે અને મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ કેનેડા આવી પહોંચશે તેની સરકારે કલ્પના પણ નહોતી કરી. હવે જ્યારે સ્ટુડન્ટને મકાન મળવા પણ મુશ્કેલ છે ત્યારે સરકાર સામે એક ચેલેન્જ પેદા થઈ છે.
કેનેડાની હાઉસિંગ કટોકટી હવે એક રાજકીય મુદ્દો પણ બની ગયો છે. વિરોધપક્ષના નેતાઓનો આરોપ છે કે કેનેડાની જસ્ટિન ટ્રૂડો સરકાર આ મુદ્દે સરખી રીતે કામ નથી કરતી. કેનેડામાં ૨૦૨૫માં ચૂંટણી યોજાવાની છે ત્યારે આ મુદ્દે સરકારને ઘેરવામાં આવે તેવી શક્યતા છે. કેનેડા ચાર કરોડની આસપાસ વસતી ધરાવતો દેશ છે જેમાં દર વર્ષે પર્મેનન્ટ રેસિડન્ટની સંખ્યા વધતી જાય છે. વર્ષ ૨૦૨૫માં લગભગ પાંચ લાખ જેટલા નવા પર્મેનન્ટ રેસિડન્ટને વસાવવા માટે કેનેડાએ પ્લાન બનાવ્યો છે. તેથી માત્ર સ્ટુડન્ટ વિઝા પર અંકુશ મુકવાથી હાઉસિંગની કટોકટી દૂર નહીં થાય તેવું સરકાર પણ સમજે છે. હાઉસિંગ ઉપરાંત અહીં જાેબની કટોકટી પણ પેદા થઈ છે. અહીં વિદેશથી આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે ક્યાંક કામ કરવાની પણ યોજના ધરાવતા હોય છે. પરંતુ તેમને મોટા ભાગે તેમની લાયકાત પ્રમાણે કામ નથી મળતું. તેના કારણે તેમણે ઘણી વખત લેબર વર્ક કરવું પડે છે અથવા બેકાર રહેવું પડે છે. કેનેડાની આગામી ચૂંટણીમાં જાેબ કટોકટી પણ એક મુદ્દો બને તેવી શક્યતા છે.