દેશમાં રેલવે ટ્રાન્સપોર્ટને સૌથી સુરક્ષિત અને સુવિધાજનક માનવામાં આવે છે. મોટા ભાગના લોકો પરિવહન માટે રેલવેનો ઉપયોગ કરે છે. જેમાં આજે કરોડો લોકોને મુશ્કેલી વેઠવી પડી કારણ કે આજે સવારથી જ આઈઆરસીટીસીસાઇટ અથવા એપ દ્વારા ટિકિટ બુકિંગ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ ટિ્વટ કરીને રેલવે પાસે આ સમસ્યાના સમાધાનની માંગની પણ કરી છે. આઈઆરસીટીસીદ્વારા આ અંગે લોકોને જવાબ પણ આપવામાં આવી રહ્યો છે.
રેલવેના જવાબ પરથી જાણવા મળ્યું છે કે ટેકનીકલ સમસ્યાના કારણે આ અસુવિધા સર્જાઈ છે. રેલવે લોકોને આઈઆરસીટીસીના ચેટબોટ દિશાની મદદથી ટિકિટ બુક કરાવવાની અપીલ કરી રહી છે. પરંતુ જે લોકોએ આ કર્યું તેઓ પણ ચિંતિત છે અને તેમની સમસ્યાઓ સાથે સંબંધિત સ્ક્રીનશોટ શેર કરતી વખતે તેઓએ કહ્યું છે કે, આના દ્વારા પણ ટિકિટ બુક કરવામાં સમસ્યા છે. લોકોએ સ્ક્રીનશોટ દ્વારા દર્શાવ્યું છે કે, પૈસા કપાયા પછી પણ ટિકિટ બુક નથી થઈ રહી. કેટલાક લોકોએ ત્રણ વખત પેમેન્ટ કર્યું છે પરંતુ ટિકિટ બુક થઈ નથી. હવે આવા લોકો તેમના પૈસા પરત કરવાની માંગ કરી રહ્યા છે.