iPhone 16 Ban
ઇન્ડોનેશિયામાં iPhone 16 પર પાંચ મહિનાથી લાગેલા પ્રતિબંધને હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઇન્ડોનેશિયાના ઉદ્યોગ મંત્રાલયે એપલને જરૂરી પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. એપલ દ્વારા ઇન્ડોનેશિયામાં $1 બિલિયનનું રોકાણ કરવા સંમતિ આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રોકાણમાં બાટમ ટાપુ પર એરટેગ્સ માટે પ્લાન્ટ સ્થાપવાનો અને સ્થાનિકો માટે સંશોધન અને વિકાસ તાલીમ આપવાનો સમાવેશ થાય છે. જોકે, એપલે હજુ સુધી ઇન્ડોનેશિયામાં આઇફોનનું ઉત્પાદન કરવાની કોઈ યોજના જાહેર કરી નથી.
ગયા વર્ષે, ઇન્ડોનેશિયાએ આઇફોન 16 ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે એપલ દેશમાં જરૂરી સ્થાનિક ઉત્પાદન ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું હતું. ઇન્ડોનેશિયાના નિયમો હેઠળ, સ્થાનિક બજારમાં વેચાતા કોઈપણ સ્માર્ટફોનમાં ઓછામાં ઓછા 40% સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ કરવો આવશ્યક છે.
એપલે અત્યાર સુધીમાં ૧.૪૮ ટ્રિલિયન ઇન્ડોનેશિયન રૂપિયાનું રોકાણ કર્યું છે, જ્યારે સરકારને ૧.૭૧ ટ્રિલિયન રૂપિયાની જરૂર છે. 230 અબજ રૂપિયાની આ અછતને કારણે, Apple TKDN (ડોમેસ્ટિક કમ્પોનન્ટ લેવલ) પ્રમાણપત્ર મેળવી શક્યું નહીં, જે વેચાણ પરવાનગી મેળવવા માટે જરૂરી છે. ઇન્ડોનેશિયાના ઉદ્યોગ મંત્રી, અગુસ ગુમિવાંગ કર્તાસ્સ્મિતાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી એપલ રોકાણની બધી શરતો પૂરી નહીં કરે ત્યાં સુધી iPhone 16 ના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં.
હવે, એપલ અને ઇન્ડોનેશિયાની સરકાર વચ્ચે એક કરાર થયો છે, જે હેઠળ એપલ ઇન્ડોનેશિયામાં $1 બિલિયનનું રોકાણ કરશે. આ સાથે, ઇન્ડોનેશિયા સરકાર ટૂંક સમયમાં iPhone 16 ના વેચાણ માટે સત્તાવાર પરવાનગી આપવા જઈ રહી છે. ઉદ્યોગ મંત્રાલય આ સંદર્ભમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે, જ્યાં નવી વેચાણ પરવાનગીની જાહેરાત કરવામાં આવશે.