Investors Wealth
Investors Wealth: BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 438 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 444 લાખ કરોડ હતું.
25 ઓક્ટોબર 2024ના રોજ સ્ટોક માર્કેટ ક્રેશ: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ફરી એકવાર તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સવારે તેજીની શરૂઆત થયા બાદ અચાનક પ્રોફિટ બુકિંગ પરત આવવાથી બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના ઉચ્ચ સ્તરેથી સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 200 પોઈન્ટથી વધુ તૂટ્યો. આજના સત્રમાં ફરી એકવાર મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીનો દોર જોવા મળ્યો હતો. નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 1300 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 400 પોઈન્ટ લપસી ગયો છે. માર્કેટ ઓપન થયાના એક કલાકમાં જ રોકાણકારોને રૂ. 6 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.
રોકાણકારોને મોટું નુકસાન
શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારોને મોટું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 438 લાખ કરોડ થયું છે, જે ગયા સત્રમાં રૂ. 444 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 6 લાખ કરોડનું નુકસાન થયું છે.
FIIએ રૂ. 1 લાખ કરોડના શેર વેચ્યા હતા
કોરોના મહામારી બાદ ઓક્ટોબર મહિનો ભારતીય બજાર માટે સૌથી ખરાબ સાબિત થયો છે. આ મહિને, 24 ઓક્ટોબર, 2024 સુધી, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. 97,113 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આજે જે પ્રકારનું વેચાણ જોવા મળ્યું તે પછી આ આંકડો રૂ. 1 લાખ કરોડને વટાવી જવાની શક્યતા છે.
સેક્ટરોલ અપડેટ
આજના કારોબારમાં બેંકિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 1000 પોઈન્ટ નીચે લપસી ગયો છે. આ સિવાય ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એફએમસીજી અને આઈટી એવા બે જ સેક્ટર છે જેમના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. INDIA Vix 5.51 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.