રાજન શાહીના ડિરેક્શનમાં બનેલી સીરિયલ અનુપમા ટીવી સ્ક્રીન પર ડંકો વગાડી રહી છે. તે ધીમે-ધીમે સફળતાના સોપાન સર કરી રહી છે. રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, મુસ્કાન બામને, આશિષ મેહરોત્રા, અરવિંદ વૈદ્ય, અલ્પના બુચ, નિધિ શાહ, એકતા સરૈયા, મેહુલ નિસાર તેમજ સવિતા પ્રભુણે જેવા કલાકારો ઘર-ઘરમાં જાણીતા ચહેરા બની ગયા છે. હાલમાં શોના ૧ હજાર એપિસોડ પૂરા થયા છે. આ પ્રસંગે સેટ પર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને હવનનું આયોજન પણ કરાયું હતું. શોના તમામ કલાકારોએ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરીને સફળતા વિશે વાત કરી હતી. પારસ કલનાવતને રિપ્લેસ કરતાં સમરના રોલમાં એન્ટ્રી લેનાર સાગર પારેખને પણ એક વર્ષ થઈ ગયું છે.
એક્ટરે હાલમાં ઈન્ટરવ્યૂમાં તેની જર્ની તેમજ શરૂઆતના દિવસો સહિતના મુદ્દા પર વાત કરી હતી. સમરનો રોલ ભજવી રહ્યો છું તેને એક વર્ષ થઈ ગયું ખબર જ ન પડી. સમય ઝડપથી પસાર થઈ ગયો અને શોમાં એક વર્ષ ક્યાં ખતમ થયું ખબર જ ન પડી. હાલમાં જ મેં મારા કો-એક્ટર્સ સાથે આ વિશે વાત કરી હતી. મેં મારું બધું જ આપી દીધું હતું. મેં બધાને કહ્યું હતું કે શરૂઆતના દિવસોમાં તો મને ઊંઘ જ નહોતી આવતી. મેં ક્યારેય કોઈને રિપ્લેસ નથી કર્યો અને આ મારું આ પ્રકારનું પહેલું પાત્ર હતું, તે પણ નંબર ૧ શોમાં. દરેકની નજર તમારા પર હોય છે, માત્ર દર્શકોની જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના લોકોની પણ. તેથી ડ્રીમ ટીમ સાથે મારી સ્કિલ સાબિત કરવાની આ સુવર્ણ તક હતી. જાે સમરના રોલને મેં મારી રીતે ભજવ્યું હોત તો લોકો કદાચ મને સ્વીકારત નહીં. તેથી મેં બધી લાઈનને ભેગી કરી હતી અને અગાઉ પાત્રને કેવી રીતે ભજવવામાં આવ્યું હતું તે સમજ્યો હતો. મેં દર્શકોને મને સમર તરીકે સ્વીકારતા કર્યા. હું બરાબર કરું છું કે નહીં તે મારા કો-એક્ટર્સને પૂછતો હતો. સમરનું પાત્ર કેવું હતું તે અંગે મને સમજાવવાનો કોઈની પાસે સમય નહોતો, તેથી મેં અગાઉના એપિસોડ જાેયા હતા જેથી હું બરાબર રીતે સમજી શકું. ટેન્શનના લીધે મારી ઊંઘ જતી રહી હતી, કારણ કે દર્શકો સમર તરીકે મને સ્વીકારશે કે કેમ તેની મને ખબર નહોતી.
દર્શકો મારી વિરુદ્ધ હતા. મને તેમના તરફથી ઘણી નેગેટિવિટી મળી હતી, કારણ કે તેમણે એક ચહેરાને આશરે બે વર્ષ સુધી જાેયો હતો અને તેથી તેની સાથે અટેચ હતા. જ્યારે મેં સમરનું પાત્ર ભજવવાનું શરૂ કર્યું ત્યારે લોકો નેગેટિવ કોમેન્ટ કરતાં હતા. તે નફરતભરી કોમેન્ટથી મને પીડા થતી હતી, આ સિવાય કો-એક્ટર્સ મને સ્વીકારશે કે કેમ તેનું પણ પ્રેશર હતું. મને ખુશી છે કે કાસ્ટ અને ક્રૂએ મારામાં વિશ્વાસ રાખ્યો. મને યાદ છે કે સમર માટે ઘણાના ઓડિશન લેવાયા હતા પરંતુ રાજન સરને વિશ્વાસ હતો અને હું જ આ પાત્ર કરું તેમ તેઓ ઈચ્છતા હતા. હું કહીશ કે આકરી મહેનતનું પરિણામ મળ્યું છે અને હું તેનાથી ખુશ છું.