Financial Technology of India : નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર અજય કુમાર ચૌધરીએ જણાવ્યું છે કે ભારતીય નાણાકીય ટેક્નોલોજી (ફિનટેક) ઉદ્યોગનું કદ 2024 માં આશરે $110 બિલિયન હોવાનો અંદાજ છે. 2029 સુધીમાં તે $420 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. તેમણે કહ્યું હતું કે સરકારની સાનુકૂળ નીતિઓને કારણે આ ક્ષેત્રનો વિકાસ ચાલુ રહેવાની અપેક્ષા છે.
ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારનું ડિજિટલ અર્થતંત્ર તરફનું પગલું, તેમજ યુવા અને ટેક્નોલોજીની જાણકાર વસ્તી, નાણાકીય ટેક્નોલોજી ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે. “ભારતીય નાણાકીય ટેક્નોલોજી ઉદ્યોગ ચાલુ વર્ષ સુધીમાં આશરે $110 બિલિયન હોવાનો અંદાજ છે અને 31 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે 2029 સુધીમાં લગભગ $420 બિલિયન સુધી પહોંચી જશે,” ઉદ્યોગ સંસ્થા એસોચેમે ચૌધરીના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું.