ભારતીય શેરબજારમાં અચાનક મોટું ગાબડું: “નિફ્ટી ૨૩,૦૦૦ ની નીચે, ક્રૂડ ઓઇલના ઉછાળા વચ્ચે રોકાણકારોની સંપત્તિ ધોવાઈ”
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. બજાર ખુલતાની સાથે જ મુંબઈ સ્ટોક એક્સચેન્જ (BSE)નો ૩૦ શેરો વાળો સંવેદનશીલ સૂચકાંક ‘સેન્સેક્સ’ ૭૦૦ થી વધુ પોઈન્ટના કડાકા સાથે ૭૩,૧૭૨ ના સ્તરે પહોંચી ગયો હતો.
બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ‘નિફ્ટી’ પણ ૨૧૯ પોઈન્ટ ઘટીને ૨૨,૯૯૧ ના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. બજારમાં અચાનક આવેલા આ કડાકાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ) મિનિટોમાં જ રૂ. ૪,૮૧,૮૮,૯૯૮.૪૫ કરોડથી ઘટીને રૂ. ૪,૭૭,૫૯,૧૧૭.૪૯ કરોડ થઈ ગઈ હતી.

શેરબજારમાં અચાનક ઘટાડો આવવાનું મુખ્ય કારણ
શેરબજારમાં આજના મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં વધી રહેલી તંગદિલી અને ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો ઉછાળો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ૭-દિવસીય સીઝફાયર પ્રસ્તાવને ફગાવી દીધા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ફરી એકવાર તેજી આવી છે.
આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રિન્ટ ક્રૂડ (Brent Crude) નો ભાવ આશરે ૧.૫% થી ૨% વધીને ૧૦૫.૬૪ થી ૧૦૬.૨૦ ડોલર પ્રતિ બેરલની રેન્જમાં પહોંચી ગયો છે. તેવી જ રીતે, યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) પણ ૧.૧% ના ઉછાળા સાથે ૯૩.૪૦ થી ૯૩.૫૫ ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે.
ઈરાનનો પ્રસ્તાવ અને સપ્લાયની ચિંતા
ઈરાને પોતાના પ્રસ્તાવમાં એવી શરત મૂકી હતી કે જો અમેરિકા ઈરાની બંદરો પરથી પોતાની નૌકાદળની નાકાબંધી હટાવી લે, તો તે મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને વેપારી જહાજો માટે ખુલ્લો મૂકી દેશે. પરંતુ પ્રમુખ ટ્રમ્પે આ માંગણી ફગાવી દેતાં વૈશ્વિક સ્તરે તેલના પુરવઠામાં અવરોધ ઊભો થવાની અને ભવિષ્યમાં ભાવ વધુ વધવાની શક્યતા ઘેરી બની છે.
આ સિવાય વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FIIs) દ્વારા થઈ રહેલી સતત વેચવાલી અને અમેરિકામાં ઊંચા વ્યાજદરોના દબાણને કારણે પણ ભારતીય બજાર પર ભારે નકારાત્મક અસર પડી છે.

મિનિટોમાં ૪.૩ લાખ કરોડ રૂપિયા સ્વાહા
આજના ટ્રેડિંગ સેશન દરમિયાન સૌથી વધુ વેચવાલી બેંકિંગ, FMCG અને રિયલ્ટી ક્ષેત્રના શેરોમાં જોવા મળી હતી. નિફ્ટી અને સેન્સેક્સના ટોપ લૂઝર્સમાં HDFC બેંક, બજાજ ફાઇનાન્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) જેવા મોટા શેરો સામેલ હતા.
બજારનું વલણ એટલું નકારાત્મક રહ્યું કે કુલ ૧૬ માંથી ૧૪ સેક્ટર્સ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા. આ સિવાય મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ૦.૨% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
અધિકૃત આંકડાઓ અનુસાર, બજાર ખુલ્યાના થોડા જ સમયમાં BSE લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. ૪,૨૯,૮૮૧ કરોડ (આશરે ૪.૩ લાખ કરોડ રૂપિયા) નું મોટું નુકસાન થયું છે. આ કડાકાથી નાના અને મોટા તમામ રોકાણકારોની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો છે.
