IRCTC અને UTS ની મગજમારીમાંથી મુક્તિ: જાણો નવી ‘RailOne’ એપના અદ્ભુત ફાયદા
ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો યાત્રીઓ માટે હવે ટિકિટ મેળવવા સ્ટેશનની લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર રહી નથી. ડિજિટલ ઈન્ડિયાના યુગમાં એવી અનેક મોબાઈલ એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, જેની મદદથી ઘરે બેઠા જ સેકન્ડોમાં ટ્રેન ટિકિટ બુક કરી શકાય છે. હાલમાં જ બજારમાં સરકારી અને ખાનગી એપની વચ્ચે રેલવેની નવી એપ ‘RailOne’ ખૂબ જ ચર્ચામાં આવી છે. સામાન્ય રીતે મુસાફરો વચ્ચે એ મૂંઝવણ રહેતી હોય છે કે ટિકિટ બુકિંગ માટે કઈ એપ શ્રેષ્ઠ છે અને આ નવી ‘RailOne’ એપ જૂની એપ્લિકેશન્સ કરતા કેટલી અલગ અને ચડિયાતી છે?

હાલમાં કઈ એપ્સ દ્વારા થાય છે ટ્રેન ટિકિટ બુકિંગ?
ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની એપ્લિકેશન્સ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરવામાં આવે છે: એક સરકારી અને બીજી ખાનગી (Third-Party) એપ્સ.
IRCTC Rail Connect: આ ભારતીય રેલવેની સૌથી જૂની અને સત્તાવાર એપ છે. વર્ષોથી કરોડો મુસાફરો રિઝર્વેશન (કન્ફર્મ) અને તત્કાલ ટિકિટ બુક કરવા માટે આ એપનો ઉપયોગ કરતા આવ્યા છે.
પ્રાઇવેટ એપ્સ (ConfirmTkt, Ixigo, MakeMyTrip): આ ખાનગી કંપનીઓ છે જે રેલવે સાથે અધિકૃત રીતે જોડાયેલી છે. મુસાફરો સરળ યુઝર ઈન્ટરફેસ (UI), સીટ પ્રોબેબિલિટી પ્રેડિક્શન અને આકર્ષક કેશબેક ઑફર્સ માટે આ એપ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
‘RailOne’ એપ કેમ છે અન્યોથી અલગ અને ખાસ?
અત્યાર સુધી રેલવે મુસાફરોને અલગ-અલગ સુવિધાઓ માટે પોતાના સ્માર્ટફોનમાં અલગ-અલગ એપ્સ ડાઉનલોડ કરવી પડતી હતી. જેમ કે: ૧. રિઝર્વેશન અને તત્કાલ ટિકિટ માટે IRCTC Rail Connect ૨. લોકલ ટ્રેન, જનરલ અનારક્ષિત ટિકિટ અને પ્લેટફોર્મ પાસ માટે UTS App ૩. મુસાફરી દરમિયાન કોઈપણ ફરિયાદ કે મદદ માટે Rail Madad
RailOne ની સૌથી મોટી ખાસિયત: આ નવી ‘RailOne’ એપમાં આ તમામ અલગ-અલગ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર એકીકૃત (Integrate) કરી દેવામાં આવી છે. એટલે કે હવે મુસાફરોએ પોતાના ફોનમાં બહુવિધ એપ્સ રાખવાની જરૂર રહેશે નહીં.

જૂના એકાઉન્ટથી લોગિન અને ખાસ ડિસ્કાઉન્ટ સુવિધા
‘RailOne’ એપની બીજી એક મોટી સુવિધા એ છે કે યુઝર્સે આમાં નવું એકાઉન્ટ બનાવવાની મગજમારી કરવાની જરૂર નથી. મુસાફરો પોતાના જૂના IRCTC અથવા UTS એકાઉન્ટના લોગિન આઈડી અને પાસવર્ડ (Credentials) નો ઉપયોગ કરીને જ સીધા આ એપમાં સાઈન-ઈન કરી શકે છે.
આ ઉપરાંત, જો તમે આ નવી એપ દ્વારા લોકલ કે જનરલ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરો છો, તો રેલવે તરફથી ખાસ પ્રકારની છૂટછાટ અને કેશબેક અથવા વોલેટ બોનસ જેવા લાભો પણ આપવામાં આવી રહ્યા છે, જે મુસાફરીને વધુ આર્થિક અને સરળ બનાવે છે.
