Indian Oil Corporation : સરકારી કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો આજે એટલે કે મંગળવારે જાહેર કર્યા છે. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો અને આવકમાં ઘટાડો થયો છે. ઇન્ડિયન ઓઇલે નાણાકીય વર્ષ 2023-24માં ₹8,66,345 કરોડની આવક મેળવી હતી, જે અગાઉના વર્ષના ₹9,34,953 કરોડથી ઓછી હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 39,619 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે. જે ગત વખતના રૂ. 8242 કરોડ કરતાં ઘણું વધારે છે. ચોથા ક્વાર્ટરમાં, કંપનીએ ₹2,19,876 કરોડની આવક નોંધાવી હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹2,26,492 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન, કંપનીએ રોકાણકારો માટે ડિવિડન્ડને પણ મંજૂરી આપી છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં કાચા તેલની કિંમતોમાં લગભગ 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના નફામાં ઘટાડો થયો છે. કંપનીના નબળા પરિણામોની અસર પણ શેર પર જોવા મળી રહી છે. ઈન્ડિયન ઓઈલના શેર આજે 4 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા છે. સવારથી જ શેરમાં નબળાઈ જોવા મળી રહી હતી.
પરિણામો કેવા હતા.
કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે તેનો નફો ત્રિમાસિક ધોરણે ઘટ્યો છે. તે 8063 કરોડ રૂપિયાથી ઘટીને 4840 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે અંદાજિત નફો 8 હજાર કરોડ રૂપિયા હતો. જોકે, આવક રૂ. 1.94 લાખ કરોડના અંદાજ સામે રૂ. 1.98 લાખ કરોડ હતી. છેલ્લા ક્વાર્ટરમાં તે રૂ. 1.99 લાખ કરોડ હતો. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ઈન્ડિયન
ઓઈલ કોર્પોરેશનનો કાર્યકારી નફો પણ રૂ. 15,192 કરોડથી ઘટીને રૂ. 10,371 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન માર્જિન 7.6 ટકાથી ઘટીને 5.2 ટકા થઈ ગયું છે. અન્ય આવક પણ 1453 કરોડ રૂપિયાથી વધીને 1657 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ડિવિડન્ડની ઘોષણા
ઈન્ડિયન ઓઈલ એ રોકાણકારોને સારા સમાચાર આપ્યા છે. કંપનીએ રોકાણકારો માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 7નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. FY24 માટે IOCLનું સરેરાશ ગ્રોસ રિફાઇનિંગ માર્જિન $12.05 પ્રતિ બેરલ હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન $19.52 હતું, કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું.