ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ ૩ ઓગસ્ટના રોજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી, પરંતુ ૫ દિવસમાં તેણે સન્યાસના ર્નિણય પર યુ-ટર્ન લીધો હતો. મળેલા અહેવાલ મુજબ મનોજ તિવારીએ સન્યાસનો ર્નિણય બદલી નાખ્યો છે અને તે ફરીથી બંગાળ માટે ઘરેલુ ક્રિકેટ રમતા જાેવા મળશે. જાે કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મનોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગે ઔપચારિક માહિતી આપશે. મનોજ તિવારી બંગાળ સરકારમાં ખેલ મંત્રી છે.
મળેલા અહેવાલો અનુસાર મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સ્નેહાશીષ ગાંગુલી સાથે વાત કર્યા બાદ સન્યાસ પાછો ખેંચવાનો ર્નિણય લીધો છે. મનોજના નેતૃત્વમાં જ બંગાળની ટીમ ગયા વર્ષે રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી અને રનર્સઅપ રહી હતી. મનોજના સન્યાસના ર્નિણયથી બંગાળનો મિડલ ઓર્ડર નબળો પડી જશે. કારણ કે તે મિડલ ઓર્ડરમાં સૌથી અનુભવી બેટ્સમેન હતો.
મનોજે ૩ ઓગસ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરીને સન્યાસની જાહેરાત કરી હતી. મનોજ તિવારીએ અત્યાર સુધીમાં ૧૪૧ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને તે ૧૦,૦૦૦ રન પૂરા કરવાથી ૯૨ રન દૂર છે. તેણે ૨૯ સદી અને ૪૫ ફિફ્ટી ફટકારી છે. મનોજે ભારત માટે ૧૨ વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે ૨૮૭ રન બનાવ્યા છે. તેણે એક સદી અને એક ફિફ્ટી પણ ફટકારી છે. તેણે ૩ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે.