Sugar Export: ભારતનો ‘સુગર’ સ્ટ્રોક: ગ્લોબલ માર્કેટમાં ખાંડના ભાવમાં ઉછાળો આવશે, બ્રાઝિલ અને થાઈલેન્ડ તરફ નજર
ભારત સરકારે દેશમાં ખાંડના વધતા ભાવને નિયંત્રિત કરવા અને સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો જાળવી રાખવા માટે ખાંડના નિકાસ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાવી દીધો છે. આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર, 2026 સુધી અથવા સરકારના આગામી આદેશ સુધી અમલમાં રહેશે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો એ ભારતીય પરિવારો માટે આર્થિક અને રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ વિષય હોવાથી સરકારનો આ નિર્ણય ઘણો મહત્વનો માનવામાં આવે છે.

બંને પ્રકારની ખાંડ પર લાગુ રહેશે પ્રતિબંધ
સરકારની આ નવી સૂચના મુજબ, કાચી (Raw) અને રિફાઈન્ડ એમ બંને પ્રકારની ખાંડના નિકાસ પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે, જે નિકાસકારોની પ્રક્રિયા પહેલેથી જ ચાલુ છે તેમને રાહત આપવામાં આવી છે. સરકારના નિયમ મુજબ:
જો નોટિફિકેશન બહાર પડતા પહેલા જહાજમાં ખાંડ લોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય.
જો જહાજ બંદર પર આવી ચૂક્યા હોય.
અથવા જો સ્ટોક કસ્ટમ્સ વિભાગને સોંપી દેવામાં આવ્યો હોય. આવી સ્થિતિમાં તે ખેપોને નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવશે, જેથી નિકાસકારોને આર્થિક નુકસાન ન થાય.
શા માટે લેવાયો આ અચાનક નિર્ણય?
નિકાસ નીતિમાં આટલો મોટો અને અચાનક ફેરફાર કરવા પાછળ કેટલાક ચોક્કસ કારણો જવાબદાર છે:
ઉત્પાદનમાં ઘટાડો: અગાઉ સરકારે 1.59 મિલિયન ટન ખાંડના નિકાસની મંજૂરી આપી હતી કારણ કે ત્યારે ઉત્પાદન વપરાશ કરતા વધુ રહેવાનો અંદાજ હતો. પરંતુ હવે નવા અંદાજો મુજબ ગ શેરડીની પેદાશમાં ઘટાડો જોવા મળ્યો છે.
બીજી સીઝનનું જોખમ: મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં શેરડીની ઓછી ખેતીને કારણે ભારત સતત બીજી સીઝનમાં વપરાશ કરતા ઓછું ઉત્પાદન કરશે તેવી આશંકા છે.
તહેવારોની સિઝન: આગામી સમયમાં તહેવારોને કારણે ખાંડની માંગ વધશે, જેને જોતા સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

ભારત સરકારના આ નિર્ણયની વૈશ્વિક અસરો
ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે, તેથી ભારતીય પુરવઠો અટકી જવાથી વૈશ્વિક સ્તરે નીચે મુજબની અસરો જોવા મળી શકે છે:
નવા બજારની શોધ: એશિયા અને આફ્રિકાના દેશો જે અત્યાર સુધી ભારત પાસેથી ખાંડ ખરીદતા હતા, તેઓએ હવે બ્રાઝિલ અને થાઈલેન્ડ તરફ વળવું પડશે.
વૈશ્વિક ભાવમાં ઉછાળો: આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાંડના વાયદાના ભાવમાં (Futures Prices) મોટી તેજી આવવાની સંભાવના છે.
શિપિંગ પડકારો: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને વધતી ઉર્જા કિંમતોને કારણે ગ્લોબલ શિપિંગ રૂટ્સ પહેલેથી જ દબાણ હેઠળ છે, તેવામાં ખાંડના સપ્લાયમાં ફેરફાર થવાથી લોજિસ્ટિક ખર્ચ વધી શકે છે.
