અમદાવાદ શહેરમાં શટલ રિક્ષામાં બેસતાં પહેલાં દસ વખત વિચાર કરજાે કારણ કે પેસેન્જરોના સ્વાંગમાં લૂંટારુ ટોળકી પણ હોઇ શકે છે. જે તમારી નજર ચૂકવીને ચોરીની ઘટનાને અંજામ આપે છે. શહેરના સુભાષબ્રિજ સર્કલ પાસે ગઇ કાલે એક વૃદ્ધાના ગળામાંથી પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી બે મહિલાએ દોઢ તોલાની ચેઇન કાઢી લીધી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. સુભાષબ્રિજ નજીક આવેલી કાર્યશિલ્પ રેસિડેન્સીમાં રહેતાં ૭૨ વર્ષનાં વૃદ્ધ શારદાબહેન કાસ્વાકરે રાણીપ પોલીસ સ્ટેશનમાં બે અજાણી મહિલા અને રિક્ષા ચાલક વિરુદ્ધ સોનાની ચેઇન ચોર્યાની ફરિયાદ કરી છે. શારદાબહેન તેમના પતિ અને બાળકો સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. શારદાબહેને દોઢ વર્ષ પહેલાં દોઢ તોલાનો સોનાનો દોરાની ખરીદી કરી હતી. જે ગઇ કાલે ચોરાઇ ગયો છે. ગઇ કાલે શારદાબહેન કલોલ ખાતે બેસણામાં ગયાં હતાં જ્યાં તેઓ બપોરે રાણીપ પરત આવી ગયાં હતાં. શારદાબહેન બસમાંથી પ્રબોધ રાવલ સર્કલ નજીક આવેલા બસ સ્ટેન્ડ પર ઊતર્યા હતા ત્યારે તેમની પાસે એક રિક્ષા આવીને ઊભી રહી હતી.
આ તરફ રિક્ષામાં બે મહિલા પેસેન્જર તરીકે બેઠી હતી. જેથી શારદાબહેન તેમાં બેસી ગયાં હતાં. રિક્ષાચાલક સુભાષબ્રિજ પેસેન્જરને લઇ જઇ રહ્યો હતો ત્યારે શારદાબહેનને દવા લેવાની હોવાથી તેમણે મેડિકલ સ્ટોર પર રિક્ષા ઊભી રખાવી હતી. રિક્ષા ઊભી રહેતાંની સાથે શારદાબહેન દવા લઇને પરત આવી ગયાં હતાં અને સુભાષબ્રિજ સર્કલ પર ઊતરી ગયાં હતાં. સુભાષબ્રિજ સર્કલ પર ઊતર્યા બાદ શારદાબહેનને જાણ થઇ કે તેમના ગાળામાં પહરેલી દોઢ તોલાની સોનાની ચેઇન ગાયબ છે. શારદાબહેને તરત જ તેમના દીકરાને વાત કરી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે શારદાબહેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
શારદાબહેન રિક્ષામાં બેઠાં હતાં ત્યારથી પેસેન્જરના સ્વાંગમાં બેઠેલ મહિલાઓએ પોતાનો ઇરાદો પાર પાડવાની તૈયારીઓ કરી લીધી હતી. બન્ને મહિલાઓએ ચુપચાપ શારદાબહેનને ખબર પડે નહીં તેવી રીતે ચેઇન કાઢી લીધી હતી. શારદાબહેન મેડિકલ સ્ટોર પર ગયા ત્યારે ચેઇન તેમના ગળામાં હતી પરંતુ જ્યારે તે દવા લઇને પરત આવ્યા ત્યારે બન્ને મહિલાઓએ ચેઇન કાઢી લીધી હતી.
શારદાબહેન રિક્ષામાંથી ઊતર્યાં ત્યારે તેમણે ભાડું આપવા માટે પર્સ બહાર કાઢ્યું હતું. જાેકે રિક્ષાચાલક કોઇ ગુનો કર્યો હોય તેવી રીતે રિક્ષા લઇને નાસી ગયો હતો. શારદાબહેને રિક્ષાને નંબર લેવાની કોશિશ કરી હતી જાેકે તે બહુ દૂર જતો રહ્યો હતો. શારદાબહેનને શંકા જતાં અંતે તેમણે પોતાના ગળામાં ચેક કર્યુ ત્યારે ચેઇન ગાયબ હતી.