આગામી થોડા દિવસોમાં ચંદ્ર પર ભીડ વધવાની છે. ભારતનું ચંદ્રયાન-૩ ૨૩ કે ૨૪ ઓગસ્ટે ચંદ્ર પર ઉતરવાનું છે. આ સાથે રશિયાનું લુના-૨૫ અવકાશયાન પણ આ અઠવાડિયે ચંદ્ર માટે ઉડાન ભરવાનું છે અને એવું માનવામાં આવે છે કે તે પણ ચંદ્રયાન-૩ની આસપાસ જ ચંદ્ર પર ઉતરશે. જાપાનનું સ્લિમ (સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન) અવકાશયાન પણ આ ભીડમાં સામેલ થવાની યોજના બનાવી રહ્યું છે. જાે કે સ્લિમના લેન્ડિંગનો સમય હજુ જણાવવામાં આવ્યો નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પણ ભારતના ચંદ્ર મિશનના નિર્ધારિત સમયની આસપાસ ચંદ્ર પર ઉતરશે. જાે આવું થાય, તો તે પ્રથમ વખત બનશે કે ત્રણ દેશોના વાહનો એક સાથે ચંદ્રની સપાટી પર પગ મૂકશે.
રશિયાએ જ્યારે તેનું પ્રથમ વાહન ચંદ્ર પર મોકલ્યું ત્યારે વિશ્વને પ્રથમ ચંદ્ર ડેટા ૧૯૫૯ માં મળ્યો. આ સિવાય ચંદ્રની પહેલી તસવીર પણ રશિયાના લુના-૩ દ્વારા ૧૯૫૯માં લેવામાં આવી હતી. રશિયાએ ૧૯૭૬માં લુના-૨૪ પછી ચંદ્ર પર પોતાનું કોઈ વાહન મોકલ્યું ન હતું. ભારતનું ત્રીજું ચંદ્ર મિશન સફળતા તરફ આગળ વધી રહ્યું છે. ઈસરોએ ૯ ઓગસ્ટ, બુધવારે બીજી વખત ચંદ્રયાન-૩ની ભ્રમણકક્ષા ઘટાડી છે. હવે ૧૪ ઓગસ્ટે ફરી એકવાર ભ્રમણકક્ષામાં ઘટાડો થશે. આ પહેલા ૬ ઓગસ્ટે રાત્રે લગભગ ૧૧ વાગે ચંદ્રયાનની ભ્રમણકક્ષા પ્રથમ વખત ઘટાડવામાં આવી હતી.
ચંદ્રયાન માટે આ એક મોટી સફળતા છે. ઈસરો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રયાન-૩ હાલમાં ચંદ્રની ૧૭૦ કિમી એક્સ ૪૩૧૩ કિમીની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરી રહ્યું છે. આમાં ચંદ્રયાન-૩નું ચંદ્રથી સૌથી ઓછું અંતર ૧૭૦ કીમીઅને મહત્તમ અંતર ૪૩૧૩ કીમીછે. ૨૨ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કર્યા પછી, ચંદ્રયાન ૩ એ ૫ ઓગસ્ટના રોજ લગભગ ૭ઃ૧૫ વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો.