હિમાચલમાં પૂર અને ભૂસ્ખલનથી લોકોની પરેશાની ઓછી થઈ રહી નથી. કાંગડા જિલ્લાના જવાલી વિધાનસભા ક્ષેત્રના કોટલામાં વધુ ૧૪ મકાનો ખાલી કરાવામાં આવ્યા હતા. ભૂસ્ખલનને કારણે આ મકાનો જાેખમ ભરી સ્થિતિમાં જણાઈ રહ્યા હતા. જાેકે અહીં રવિવારે વગર વરસાદે આ સાત મકાનો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે આસપાસના મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા.
બીજી બાજુ કોલ ડેમ રિઝર્વાયરમાં અચાનક પાણીનું સ્તર વધતાં લાગતાં બોટમાં મુસાફરી કરી રહેલા ૧૦ લોકો ફસાઇ ગયા હતા. ફસાયેલા લોકોમાં પાંચ વન અધિકારીઓ પણ છે અને પાંચ સ્થાનિક લોકો છે. એનડીઆરએફ અને સ્થાનિક વહીવટી અધિકારીઓની ટીમે આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
બીજી તરફ, મંડી-કુલ્લુ એનએચપર પંડોહ નજીક રોડ તૂટી જતાં ચાર દિવસથી ફસાયેલા ૫૦૦ વાહનોને ડેમની નજીક બનાવાયેલા નવા રોડ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી અહીં બે હજાર જેટલા વાહનો અટવાઈ પડ્યા છે. હાલ આ માર્ગ પરથી માત્ર હળવા અને ખાલી વાહનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સામાનથી ભરેલા મોટા વાહનોને પંડોહથી બજૌરા પરત મોકલવામાં આવ્યા હતા. આ વાહનોને શનિવારે સાંજે કાંડી કટૌલા થઈને મંડી મોકલવામાં આવ્યા હતા. દહર સબ-ડિવિઝનમાં અલસો ખાતે આવેલું મત્સ્ય બીજ કેન્દ્ર વરસાદને કારણે ભૂસ્ખલનની લપેટમાં આવી ગયું હતું. જેના કારણે ફિશરીઝ સેન્ટરના સ્ટાફ રૂમ, ઓફિસ અને ટાંકીમાં કાટમાળ ઘુસી ગયો છે. તેની બાજુમાં આવેલા છ મકાનોને પણ ભૂસ્ખલનનો ભય ઉભો થયો છે. હવામાન વિભાગે રાજ્યભરમાં બે દિવસ માટે વાવાઝોડા અને વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે પૂરની સંભાવના છે. રવિવારે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. કેટલાક સ્થળોએ હળવો વરસાદ થયો હતો. રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં રૂ. ૮૦૧૪.૬૧ કરોડના નુકસાનનું આકલન કરવામાં આવ્યું છે.