તાજેતરમાં ભારતના ૨૧ સ્ટુડન્ટ્સને અમેરિકાએ એરપોર્ટ પરથી જ ડિપોર્ટ કરી દેતા ઘણા લોકોને આંચકો લાગ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ કાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા, તેમણે બધી લિગલ પ્રક્રિયા કરી હતી અને કોલેજાેમાં એડમિશન પણ લીધા હતા. આમ છતાં તેમને કોઈ પણ કારણ આપ્યા વગર ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમના પર પાંચ વર્ષ માટે એન્ટ્રી પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી પણ શક્યતા છે. ભારતીયોને અમેરિકાએ એરપોર્ટ પરથી સીધા ડિપોર્ટ કરી દીધા હોય તેવું અનેક વખત બન્યું છે. સવાલ એ થાય છે કે આવું શા માટે થાય છે અને વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવે ત્યાર પછી શું થાય છે. એક વાત જાણી લો કે અમેરિકાના ઈમિગ્રેશનના નિયમોનો ભંગ કરવામાં આવે ત્યારે તે વિદેશીઓને કાયદેસર રીતે ડિપોર્ટ કરી શકે છે. કેટલીક વખત વિદેશીઓને કારણો આપવામાં આવે છે જ્યારે અમુક વખત તેમને ફટાફટ વળતી ફ્લાઈટમાં બેસાડીને રવાના કરી દેવાય છે. ભારતના વિદ્યાર્થીઓના કેસમાં પણ એવું જ થયું છે. આ વિદ્યાર્થીઓને સ્પષ્ટ જણાવી દેવાયું હતું કે તેઓ ઇમિગ્રેશન ઓફિસરના આદેશ નહીં માને તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.