ડિજિટલ પેમેન્ટનું ગણિત: ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી MDR કેવી રીતે કામ કરે છે?
ક્રેડિટ કે ડબિટ કાર્ડ સ્વાઇપ કરતી વખતે અથવા ડિજિટલ પેમેન્ટ કરતી વખતે આપણને લાગે છે કે પૂરેપૂરી રકમ દુકાનદારના ખાતામાં જાય છે, પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. આ વ્યવહાર પાછળ ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) નામનું આખું નેટવર્ક કામ કરે છે. તાજેતરમાં UPI પેમેન્ટ્સ પર પણ રૂ. 2,000થી વધુના બિઝનેસ ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ કરવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેનાથી આ ક્ષેત્રે મોટા ફેરફારો જોવા મળી શકે છે.

MDR શું છે અને આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
જ્યારે પણ કોઈ ગ્રાહક Visa, Mastercard કે RuPay કાર્ડ દ્વારા ચૂકવણી કરે છે, ત્યારે તે પ્રક્રિયામાં મુખ્યત્વે ચાર પક્ષો સામેલ હોય છે:
ગ્રાહક (જે ચૂકવણી કરે છે)
ઈશ્યુઈંગ બેંક (જેણે ગ્રાહકને કાર્ડ આપ્યું છે, જેમ કે HDFC કે SBI)
કાર્ડ નેટવર્ક (Visa, Mastercard કે RuPay)
એક્વાયરિંગ બેંક (દુકાનદારનું બેંક એકાઉન્ટ અથવા પેમેન્ટ ગેટવે)
ઉદાહરણ તરીકે, જો તમે રૂ. 3,000ની ખરીદી કરો છો અને MDR 2% નક્કી થયેલ હોય, તો દુકાનદારને રૂ. 2,940 જ મળે છે. બાકીના રૂ. 60 ચાર્જ પેટે કપાઈ જાય છે. આ રકમ કોઈ એક જગ્યાએ જવાને બદલે ત્રણેય મધ્યસ્થીઓ વચ્ચે વહેંચાઈ જાય છે.
નાણાંની વહેંચણી અને ચાર્જનું માળખું
ભારતમાં ક્રેડિટ કાર્ડ પર MDR સામાન્ય રીતે 1% થી 3% અને ડેબિટ કાર્ડ પર 0.25% થી 1% સુધી હોય છે. આ કપાયેલી રકમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાય છે:
ઈન્ટરચેન્જ ફી: આ કુલ MDRનો સૌથી મોટો હિસ્સો (આશરે 70% થી 80%) હોય છે, જે કાર્ડ ઈશ્યુ કરનાર બેંકને મળે છે.
સ્કિમ / અસેસમેન્ટ ફી: આ નાનો હિસ્સો કાર્ડ નેટવર્ક (Visa/Mastercard) સેવા આપવા બદલ લે છે.
એક્વાયરર માર્કઅપ: બાકી રહેલો હિસ્સો દુકાનદારની બેંક અથવા પેમેન્ટ સિસ્ટમ પ્રોસેસર પાસે જાય છે. દુકાનદાર માત્ર આ જ હિસ્સા પર નેગોશિયેશન કરી શકે છે.

UPI પેમેન્ટ્સ અને વર્તમાન સ્થિતિ
અત્યાર સુધી UPI દ્વારા ગ્રાહકથી વેપારી (P2M) વચ્ચે થતા ટ્રાન્ઝેક્શન પર ઝીરો MDR નીતિ લાગુ હતી, એટલે કે નાના વેપારીઓને કોઈ ચાર્જ ચૂકવવો પડતો નહોતો. સરકાર આ નુકસાનની ભરપાઈ કરવા બેંકોને સબસિડી કે ઈન્સેન્ટિવ આપતી હતી.
પરંતુ હવે રૂ. 2,000થી ઉપરના વ્યાપારી વ્યવહારો પર MDR વસૂલવાની વિચારણા ચાલી રહી છે. જો આ નીતિ અમલમાં આવશે, તો મોટા વેપારીઓ અને પેમેન્ટ પ્રોસેસિંગ કંપનીઓ માટે ડિજિટલ લેવડ-દેવડનું માળખું બદલાઈ જશે.
