અમરેલી જિલ્લામાં અંદર સારો વરસાદ પડવાને કારણે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં મુખ્ય પાક તરીકે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે પરંતુ સતત વરસાદ પડવાના કારણે મગફળીનો પાક નિષ્ફળતાના આરે પહોંચ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, ધારી, બાબરા, બગસરા, વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ તરફ જઈ રહ્યો છે. મગફળીના પીળા પાન થવાના કારણે ખેડૂતોના માથે નુકસાનની ભીતિ મંડરાઈ રહી છે. સાવરકુંડલા તાલુકામાં મોટાભાગના ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ ધોધમાર અને સતત ૨૦ દિવસ વરસાદ પડવાના કારણે વરસાદી પાણી ખેતરની અંદર ફરી વળ્યા હતા જેથી ખેડૂતોમાં મુશ્કેલી સર્જાઈ હતી.
અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારની અંદર વાવેતરની વાત કરીએ તો ૧૯,૬૨૩ હેક્ટરમાં કપાસનો વાવેતર કરવામાં આવ્યું છે જેની સાથે જ ૫,૮૮૦ હેક્ટરની અંદર મગફળીનું વાવેતર નોંધાયું છે તો સાથે ૧૫૦ હેક્ટરમાં શાકભાજી વર્ગનો વાવેતર નોંધાયું છે. અમરેલી જિલ્લામાં અનેક શહેરોથી જેમકે સુરત, ભરૂચ, ગોધરા, દાહોદ જેવા જિલ્લામાંથી મોટાભાગના લોકો ખેત મજૂરી કરવા અમરેલી જિલ્લામાં આવે છે. આ વર્ષે મોટી સંખ્યામાં મજૂરો દ્વારા મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો સાથે ૩૦ ટકા ભાગની અંદર વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે સતત વરસાદ પડવાના કારણે નુકસાની વેઠવાનો વારો બહારથી આવેલા લોકો પર પડ્યો છે. ત્યારે ખેડૂતો માટે વધુ એક વખત વિકટ પરિસ્થિતિ આવી છે.