Walking Benefits: હૃદયરોગથી બચવા માટે મહિલાઓ માટે ખાસ સ્ટડી
તંદુરસ્ત રહેવા માટે રોજ 10,000 ડગલાં ચાલવાની સલાહ વર્ષોથી આપવામાં આવે છે, પરંતુ એક નવા અભ્યાસે આ ધારણા પર સવાલ ઉઠાવ્યા છે. સંશોધન મુજબ, વૃદ્ધ મહિલાઓ જો દરરોજ માત્ર 4,000 ડગલાં ચાલે તો પણ તે અકાળ મૃત્યુ અને હૃદયરોગના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ માટે દરરોજ લાંબુ ચાલવું પણ જરૂરી નથી.

કેટલું ચાલવું યોગ્ય છે?
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો મહિલાઓ અઠવાડિયામાં માત્ર એક કે બે દિવસ પણ 4,000 ડગલાં ચાલવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે, તો પણ તેમને સ્વાસ્થ્યના નોંધપાત્ર લાભ મળી શકે છે. સંશોધકોનું કહેવું છે કે સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પાડવા માટે એ વધુ મહત્વનું છે કે તમે કુલ કેટલા ડગલાં ચાલ્યા, નહીં કે અઠવાડિયાના કેટલા દિવસ પ્રવૃત્તિ કરી. આ તારણ લાંબા સમયથી લોકપ્રિય ‘10,000 ડગલાં પ્રતિદિન’ ના ધોરણને પડકારે છે. નિષ્ણાતોનું માનવું છે કે સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે કોઈ એક ચોક્કસ કે શ્રેષ્ઠ પદ્ધતિ નથી. સૌથી મહત્વની બાબત એ છે કે શરીરને સક્રિય રાખવું.
મહિલાઓ માટે શું છે ખાસ?
અભ્યાસમાં જાણવા મળ્યું કે જે મહિલાઓએ અઠવાડિયામાં એક કે બે દિવસ 4,000 ડગલાં પ્રતિદિન પૂર્ણ કર્યા, તેમનામાં કોઈપણ કારણસર મૃત્યુનું જોખમ 26 ટકા ઓછું હતું. તે જ સમયે, હૃદયરોગને લગતી મૃત્યુનું જોખમ 27 ટકા સુધી ઘટ્યું હતું. સંશોધન મુજબ, જો આ લક્ષ્ય અઠવાડિયામાં ત્રણ દિવસ પૂરું કરવામાં આવે તો ફાયદા વધી શકે છે. આવી મહિલાઓમાં અકાળ મૃત્યુનું જોખમ 40 ટકા સુધી ઘટ્યું હતું. જો કે 5,000 થી 7,000 ડગલાં પ્રતિદિન ચાલનારી મહિલાઓને પણ વધારાનો લાભ મળ્યો, પરંતુ તેમાં વધારો પ્રમાણમાં મર્યાદિત હતો. સંશોધકોનું કહેવું છે કે એક સ્તર પછી લાભની ગતિ ધીમી પડી જાય છે.

અભ્યાસમાં કોને સામેલ કરવામાં આવ્યા હતા?
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી સહિતની અનેક સંસ્થાઓના સંશોધકો દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસને ‘બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન’માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. અભ્યાસમાં 13,547 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી, જેમની સરેરાશ ઉંમર લગભગ 72 વર્ષ હતી. અભ્યાસની શરૂઆતમાં આમાંથી કોઈને હૃદયરોગ કે કેન્સર નહોતું. સંશોધન દરમિયાન સહભાગીઓને સાત દિવસ સુધી સ્ટેપ કાઉન્ટ માપવાનું સાધન પહેરાવવામાં આવ્યું હતું અને લગભગ 11 વર્ષ સુધી તેમની સ્વાસ્થ્ય સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. આ સમયગાળામાં 1,765 મહિલાઓનું મૃત્યુ થયું હતું, જ્યારે 781 મહિલાઓમાં હૃદયરોગ વિકસિત થયો હતો.
અભ્યાસના અંતે સંશોધકોએ નિષ્કર્ષ કાઢ્યો કે વૃદ્ધ મહિલાઓ માટે અઠવાડિયામાં એક કે બે દિવસ પણ 4,000 ડગલાં ચાલવું એ અકાળ મૃત્યુ અને હૃદયરોગના જોખમને ઘટાડવા માટે એક અસરકારક પગલું સાબિત થઈ શકે છે.
