શહેરમાં વિદેશી તહેવારોનો ક્રેઝ વધ્યો છે. અમદાવાદમાં પણ હવે વિદેશી તહેવારો અને પાર્ટીઓ થવા લાગી છે. યુકેમાં એક લોકપ્રિય પાર્ટી છે, જેને નિયોન પેઈન્ટ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ડીજેના સંગીતનો આનંદ માણતા લોકો નિયોન રંગો સાથે હોળી રમે છે અને અંધારામાં રેડિયમની જેમ ચમકતા હોય છે. આ પાર્ટી યુકેમાં અઠવાડિયામાં ૨થી ૩ વખત યોજાય છે અને હવે તે અમદાવાદ પહોંચી ગઈ છે. અમદાવાદમાં તાજેતરમાં પ્રથમ વખત નિયોન પેઈન્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીનું આયોજન વડોદરાના રહેવાસી સૂર્યસ્નાતા મિશ્રા દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ શેડ્સ ઓફ જાેય કંપનીના માલિક છે. તેઓએ શરૂઆતમાં વડોદરામાં એક નિયોન પેન્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેને સ્થાનિક લોકોએ ખૂબ આવકાર આપ્યો હતો.
આ સફળતાએ તેમણે અમદાવાદમાં કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રેરિત કર્યા હતા, લોકોએ આ પાર્ટીની ખૂબ પ્રશંસા પણ કરી છે. નિયોન પેઈન્ટ પાર્ટી દરમિયાન, વ્યક્તિઓ ઉત્સાહપૂર્વક ડીજેના તાલ પર નૃત્ય કરે છે, અને એકબીજાને નિયોન પેઈન્ટથી શણગારે છે. આ પેઈન્ટ શરીર માટે હાનિકારક નથી. આ ઇવેન્ટનું મહત્વ એ છે કે, લોકો દુનિયાને ભૂલીને કલાક બે કલાક પોતાના માટે જીવે છે, અને સ્ટ્રેસ રિલીઝ કરી તણાવમુક્ત થાય છે. અમદાવાદમાં આ પાર્ટીમાં આશરે ૩૦૦ વ્યક્તિઓએ હાજરી આપી હતી. નિયોન પેઈન્ટ પાર્ટીમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ બાળકોથી લઈને પુખ્ત વયના તમામ વયના લોકો આનંદથી જાેડાયા હતા.