GST Rate Cut
આવકવેરાના દરમાં ઘટાડા બાદ હવે GSTના દર પણ ઘટાડવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતે આ અંગે સંકેત આપ્યા છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે ગુડ્સ અને સર્વિસ ટેક્સના દરો અને સ્લેબને તર્કસંગત બનાવવાનું કામ લગભગ અંતિમ તબક્કામાં છે અને દરો ઘટાડવાનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.
‘ધ ઇકોનોમિક ટાઇમ્સ એવોર્ડ્સ’માં એક પ્રશ્નનો જવાબ આપતાં નિર્મલા સીતારમણે કહ્યું, “GST દરો અને સ્લેબને તર્કસંગત બનાવવાનું કામ લગભગ અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે 1 જુલાઈ, 2017 ના રોજ GST લાગુ થયા સમયે રેવન્યુ ન્યુટ્રલ રેટ (RNR) 15.8 ટકાથી ઘટીને 2023 માં 11.4 ટકા થઈ ગયો છે, અને તે વધુ ઘટશે. નાણામંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલે સપ્ટેમ્બર 2021 માં દરોને તર્કસંગત બનાવવા અને સ્લેબમાં ફેરફારો સૂચવવા માટે મંત્રીઓના જૂથ (GoM) ની રચના કરી હતી.
નાણામંત્રીએ કહ્યું કે, મંત્રીમંડળે ખૂબ જ સુંદર કામ કર્યું છે, પરંતુ હવે આ તબક્કે મેં દરેક જૂથના કાર્યની ફરી એકવાર સંપૂર્ણ સમીક્ષા કરવાની પહેલ કરી છે, અને પછી કદાચ હું તેને કાઉન્સિલ સમક્ષ લઈ જઈશ. પછી વિચારણા કરવામાં આવશે કે આપણે આ અંગે અંતિમ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ કે નહીં.
નિર્મલા સીતારમણે કહ્યું કે દરોને તર્કસંગત બનાવવા પર હજુ થોડું કામ કરવાની જરૂર છે. “અમે તેને આગામી કાઉન્સિલ મીટિંગમાં લઈ જઈશું,” તેમણે કહ્યું. અમે દર ઘટાડા, તર્કસંગતીકરણ, સ્લેબની સંખ્યાને ધ્યાનમાં લેવા વગેરે જેવા કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અંતિમ નિર્ણય લેવાની ખૂબ નજીક છીએ.
વાસ્તવમાં, સરકાર પર માંગ અને વપરાશને પ્રોત્સાહન આપવા માટે દબાણ છે, જેના માટે GST કાઉન્સિલ હવે GST દર ઘટાડવાનું વિચારી રહી છે. એવું માનવામાં આવે છે કે સરકાર 12 ટકાના GST રેટ સ્લેબને નાબૂદ કરી શકે છે. અને જો જરૂર પડે તો આ સ્લેબ હેઠળ આવતા માલને 5% અથવા 18% સ્લેબમાં મૂકી શકાય છે. આ કવાયતનો ઉદ્દેશ્ય GST દર માળખાને તર્કસંગત બનાવતી વખતે વપરાશ વધારવાનો છે.