GST: GST વિવાદોના ઉકેલ માટે નવી તક: ટ્રિબ્યુનલની સમયમર્યાદામાં વધારો
GST સાથે જોડાયેલા વિવાદોના ઝડપી નિકાલ માટે સ્થપાયેલ ‘ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલ’ (GSTAT) માં અપીલ દાખલ કરવા ઈચ્છતા ટેક્સપેયર્સ માટે સરકારે મોટી રાહત આપી છે. ટેકનિકલ મુશ્કેલીઓ અને પોર્ટલ પરના ભારે ભારને ધ્યાનમાં રાખીને, સરકારે અપીલ દાખલ કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2026 થી વધારીને 31 જુલાઈ, 2026 કરી દીધી છે.

અપીલ માટે એક મહિનાનો વધારાનો સમય
અગાઉ સરકારે GSTAT માં અપીલ દાખલ કરવા માટે 30 જૂન સુધીનો સમય નક્કી કર્યો હતો. જોકે, વિવિધ હિતધારકો અને ટેક્સ પ્રોફેશનલ્સ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ટ્રિબ્યુનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર ભારે ટ્રાફિકને કારણે ટેકનિકલ સમસ્યાઓ નડી રહી છે. નાણાં મંત્રાલયે આ રજૂઆતોને ગંભીરતાથી લઈને એક મહિનાનો વધારાનો સમય આપવાનો વ્યવહારુ નિર્ણય લીધો છે.
પોર્ટલ પર ભારે દબાણ અને 30,000 અપીલોનો રેકોર્ડ
સરકારના જણાવ્યા અનુસાર, છેલ્લા માત્ર 15 દિવસમાં જ લગભગ 30,000 અપીલો દાખલ કરવામાં આવી છે. એક સમયે તો એક દિવસમાં 5,500 થી વધુ અપીલો નોંધાઈ હતી, જે દર્શાવે છે કે ટ્રિબ્યુનલના પ્લેટફોર્મ પર કેટલું દબાણ છે. હાલમાં દેશભરમાં GST વિવાદોના 4.80 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે, જે તમામ કેસો ધીમે ધીમે GSTAT માં સ્થાનાંતરિત થવાની અપેક્ષા છે. હાલમાં સરકાર દ્વારા 31 રાજ્ય પીઠ (State Benches) અને દિલ્હીમાં એક મુખ્ય પીઠ (Principal Bench) ની રચના કરવામાં આવી છે.

GSTAT: ન્યાયિક પ્રક્રિયામાં એક નવો અધ્યાય
1 જુલાઈ, 2017 ના રોજ GST લાગુ થયા બાદ ટેક્સપેયર્સ અને વિભાગ વચ્ચેના વિવાદોનો નિકાલ કરવા માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો સહારો લેવો પડતો હતો, જેમાં લાંબો સમય લાગતો હતો. મે 2024 માં જસ્ટિસ (નિવૃત્ત) સંજય કુમાર મિશ્રાની GSTAT ના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2025 માં ટ્રિબ્યુનલના સંપૂર્ણ કાર્યરત થયા બાદ હવે કરદાતાઓને એવી આશા છે કે તેમના વિવાદોનો નિકાલ હવે ઝડપથી અને સસ્તા દરે થઈ શકશે.
